સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

જામનગર અને ગોંડલના ઠગાઇના બે ગુનામાં સામેલ વૈભવ સોનાનો ઢાળ ચડાવેલા બિસ્કીટ સાથે પકડા્યો

શિતલ પાર્ક ઉગતા પોરના મેલડી માના મંદિર નજીકથી નંબર વગરના બાઇક સાથે ગોકુલધામના બાવાજી શખ્સને ગાંધીગ્રામ પોલીસે પકડ્યોઃ બાઇક અને બિસ્કીટ મિત્રએ આપ્યાનું રટણઃ

રાજકોટ તા.૭ : જામનગર અને ગોંડલમાં ખેડુતો સાથે કપાસની ઠગાઇના બે ગુનામાં સામેલ બાવાજી શખ્સ નંબર વગરનું બાઇક અને સોનાનો ઢાળ ચડાવેલા બિસ્કીટ  સાથે ગાંધીગ્રામ પોલીસે પકડી લઇ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા તથા હેડ કોન્સ. ખોડુભા જાડેજા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, કનુભાઇ બસીયા, કિશોરભાઇ ધુધલ, અમીનભાઇ રગથરા, દિગ્વીજયસિંહ,  દિનેશભાઇ તથા બ્રીજરાજસિંહ ઝાલા સહિત વાહન ચેકિંગમાં હતા. ત્યારે એરપોર્ટ  રોડ શિતલ પાર્ક ઉગતાપોરના મેલડીમાના મંદિર પાસેથી એક નંબર વગરનું બાઇક લઇને પસાર થતા શખ્સને રોકી લાયસન્સ અને બાઇકના કાગળો માગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે તેનું નામ પુછતા પોતાનું નામ વૈભવ ભરતભાઇ નિમાવત (ઉ.વ.ર૩) (રહે. ગોકુલધામ ગોકુલનગર શેરી નં.પ દોઢસો ફુટ રોડ)નામ આપ્યું હતુ. બાદ પોલીસે પોકેટકોપની મદદથી બાઇકના એન્જીન અને ચેસીસ નંબર સર્ચ કરતા તેમાં અલગ નામ આવતુ હોવાથી વૈભવને પકડી લીધો હતો. બાદ તેની તલાશી લેતા તેના ખીસ્સામાંથી એક સોનાનો ઢાળ ચડાવેલ બીસ્કીટ મળી આવતા તેની પુછપરછ કરતા બાઇક અને સોનાનો ઢાળ ચડાવેલું બિસ્કીટ મિત્રનું હોવાનું રટણ કરી રહયો છે. બાદ પોલીસે તપાસ કરતા વૈભવ નિમાવત જામનગર અને ગોંડલમાં ખેડુતો સાથે કપાસની છેતરપીંડીના બે ગુનામાં સામેલ હોવાનું  જાણવા મળ્યું છે. વૈભવ સોનાનો ઢાળ ચડાવેલ બીસ્કીટ કોની પાસેથી લઇ આવ્યો અને કોઇને છેતરવાનો હતો કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:29 pm IST)