સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

જસદણમાં ૯ કરોડના ખર્ચે અદ્યતન સાધનો સાથે સજજ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાશેઃ કુંવરજીભાઈ

રાજકોટઃ જસદણના કમળાપુર ખાતેના પેટા આરોગ્ય કેન્દ્રને કોઈ પણ બીમારી-રોગની પ્રાથમિક તપાસ માટે પાયારૂપ મહત્વ ધરાવતું અંદાજિત રૂપિયા ૩ લાખની કિંમતનું બ્લડ સેલ કાઉન્ટર મશીનનું પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીન મળવાથી જન આરોગ્ય સેવા સુદ્રઢ બનવાની સાથે નજીકના ૨૫ જેટલા ગામોના નાગરિકોને વિનામૂલ્યે સીબીસી, હિમોગ્લોબીન,ત્રાકકણો સહિતના રિપોર્ટ કરાવી શકાશે. આ ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર,કમળાપુરના પ્રાંગણમાં અંદાજિત રૂપિયા ૪ લાખના પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે,ઙ્ગકોરોના મહામારી સામે ગભરાયા વગર અને સાવચેતીથી લડી શકાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવી રહેલા હેલ્થ સર્વેલન્સથી લોકો દૂર રહે છે, ત્યારે સ્થાનિક આગેવાનોએ આગળ આવી લોકોને હેલ્થ ચેકઅપ માટે પ્રેરીત અને સમજૂતી કરવા જોઈએ. તેમજ કોરોના અંગેની ભ્રામક અને ગેરમાન્યતાથી દૂર રહી આપણે,આપણા પરિવાર અને સમગ્ર સમાજને કોરોનો વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખી શકીશુ.

જસદણ ખાતે રૂપિયા ૯ કરોડના ખર્ચે અદ્યતન સાધનો અને સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુવાનોમાં વ્યાવસાયિક કૌશલ્યોનું નિર્માણ થાય તે માટે વીંછીયામાં રૂપિયા ૩.૫૦ કરોડના ખર્ચે ત્વ્ત્ બનાવવામાં આવશે. તેમજ ખેડૂતોને ભારે વરસાદના કારણે થયેલા પાકને નુકસાન અંગે રાજય સરકાર ચિંતિત છે. આ માટે નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ જણાવી મંત્રીશ્રી બાવળીયાએ કોરોના મહામારીમાં પોતાનો અને પોતાના પરિવારના જીવ જોખમમાં મૂકીને કામ કરનાર આરોગ્ય કર્મીઓ,ડોકટરોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, રાજકોટના પૂર્વ પ્રમુખ અને સદસ્ય શ્રી નિલેશભાઈ વિરાણી,શ્રી રામભાઈ સાંકળિયા, સ્થાનિક અગ્રણી શ્રી રવજીભાઈ સરવૈયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કમળાપુરના સરપંચ શ્રી ધીરૂભાઈ રામાણીએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મેડીકલ ઓફિસર ધવલ ગોસાંઈ, આરોગ્ય કર્મીઓ,સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:06 pm IST)