સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

કચ્છના જખૌના દરિયામાં માંગરોળની બોટ ઉપર પાકિસ્તાન મરીનનું ફાયરિંગ

માંડ જીવ બચાવ્યો: બોટ ડૂબી, ઓખા કોસ્ટગાર્ડ મદદે : હરિસિધ્ધી-૫ બોટમાં ઉના, દીવ, સોમનાથના ૭ માછીમારો માંડ બચ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : ભારત પાકિસ્તાન વચ્ચેની કચ્છની દરિયાઈ સરહદ બન્ને પક્ષે પેટ્રોલિંગ થકી જોખમી બની રહી છે. જખૌના દરિયામાં માછીમારી કરતી માંગરોળની આઈએનડી જ.જે.૧૧ એમએમ ૩૮૭૩ હરિસિધ્ધી-૫ બોટ ઉપર પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમ્યાન બોટ ડૂબવા માંડતા અંદર રહેલા ૭ માછીમારોએ જીવ બચાવવા દરિયામાં ડૂબકી મારી દીધી હતી. આ દરમ્યાન ઓખા કોસ્ટગાર્ડની ટીમ આવી જતાં સાતેય માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. તમામને જખૌ કિનારે લાવી પોલીસને સોંપ્યા હતા. આ માછીમારોમાં વણાકબારા દીવના અમરશી માવજી બામણીયા, પ્રકાશ માવજી બામણીયા, કૃણાલ વિનોદ બામણીયા, પ્રેમ વીરા બામણીયા ઉપરાંત કાંધીપડા ઉનાના કાળુ ગોબરભાઈ સાંખલ, કોડીનાર ગીર ના મહેશ માનસિંગ વાજા, ચિત્રવાડા ગીર સોમનાથના મહેન્દ્ર ભીખાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ માછીમારો જીવ બચાવવામાં સફળ રહ્યા પરંતુ, આ દરમ્યાન ગોળીબારમાં દરિયામાં રહેલા અન્ય ભારતીય બોટ કે માછીમારો જો ઘાયલ થયા હોય કે મૃત્યુ પામ્યા હોય એ અંગે વધુ કોઈ જાણકારી નથી.

(10:16 am IST)