સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પુત્રી ભાવીશા બાવળીયાને જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૮: રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના નાના પુત્રી ભાવીશાબેન બાવળીયાને જીલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ છે.

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના સવાંગી વિકાસ માટે છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત ભાવીશાબેન કુંવરજીભાઈ બાવળીયાએ પોતાની શિક્ષકની કારકિર્દીનો પ્રારંભ તા.૦૪/૦૯/૨૦૦૩ થી શ્રી ભોંયરા પ્રા.શાળામાં કર્યા. ત્યારબાદ તા.૧૬/૦૩/૨૦૦૭ થી શ્રી અમરાપુર સીમ શાળા-૧માં જવાબદારી સ્વીકારીને કાર્યરત થયા. તેઓશ્રીએ પોતાના શિક્ષક તરીકેના કાર્યકાળમાં સામાન્ય કક્ષાની શાળાને આજે એક આદર્શ ગણી શકાય તેવી શાળામાં રૂપાંતરિત કરી નાખી. આ પ્રાથમિક શાળા સીમ શાળા હોવાથી વિદ્યાર્થીઓની હાજરીની સંદર્ભમાં નિયમતતાના આદર્શરૂપ બનીને શાળામાં સીમમાંથી આવતા વિદ્યાર્થીઓને શાળા પ્રત્યે આકર્ષિત કરવાનું કાર્ય આરભ્યું.

ભાવીશાબેન બાવળીયાએ બાર સાયન્સ પછી પી.ટી.સી. કરીને પ્રાથમિક શિક્ષક તરીકે ભોંયરા પ્રા.શાળામાં જોડાયા પરંતુ 'શિક્ષક આજીવન વિદ્યાર્થી છે' એ સૂત્રને સાર્થક કરતા નોકરીની સાથે તેમણે પોતાનો અભ્યાસ સતત ચાલુ રાખ્યો અંગ્રેજી વિષય સાથે એમ.એ. અને એમ.એડ.પણ કર્યુ. બી.એડ.સી અંગ્રેજી વિષયમાં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ આવેલ. આ સાથે જ શિક્ષણ માં પી.એચ.ડી. પૂર્ણ કર્યુ. ત્યારબાદ જી.સેટની પરિક્ષા પણ પાસ કરી. અભ્યાસની સાથે નોકરી માટે જરૂરી એવી સીસીસીની પરિક્ષા પણ સારા ગુણ સાથે પાસ કરી. શાળાના અભ્યાસ દરમ્યાન જ  તેઓએ હિંદીમાં બાલપોથીથી કોવિંદ સુધીની પરિક્ષાઓ ઉપરાંત ગણિત, ચિત્ર, સંસ્કૃત, સંગીત, અંગ્રેજી જેવા વિષયોની અનેક પરિક્ષાઓ આપીને ઘણા બધા સર્ટીફીકેટસ પણ મેળવેલ છે તેઓને એન.સી.સી.ના બેસ્ટ કેડેટનો એવોર્ડ પણ મળેલ છે. તેઓએ ટેટ-૨ અને એચ ટાટ જેવી પરીક્ષાઓ પણ સારા માર્કસ સાથે પાસ કરેલ છે. એકંદરે તેઓ તેજસ્વી વિદ્યાથી તથા શ્રેષ્ઠ અને ઓલરાઉન્ડર શિક્ષક તરીકે ઉભરી આવેલ છે.

તેઓએ નોકરીમાં જોડાયા ત્યારથી ધોરણ-૬ અને ૭ ના બધા જ વિષયોનું શિક્ષણ આપી રહ્યા' છે. નાની શાળા હોવાથી દર વર્ષે બે વર્ગ સંભાળવાની જવાબદારી તેમની હોય છે ધોરણના બધા જ વિષયો ઉપરાંત સહ અભ્યાસિક પ્રવુત્તિઓ જેવી કે માટીકામ, કાતરકામ, ગડીકામ, વેસ્ટમાંથી બેસ્ટ, પ્રોજેકટવર્ક, ચિત્રકામ, છાપકામ જેવી બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડે છે. ચિત્રસ્પર્ધામાં તેમના વિદ્યાર્થીઓ કલામહોત્સવમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે તેઓએ ગુણોત્સવ, બાળમેળા તથા એડપ્સ જેવા કાર્યક્રમો સફળતા પૂર્વક પૂર્ણ કરે છે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં તેમની શાળા દર વર્ષે નંબર મેળવે છે. તેઓએ ઉકોકલબ અંતર્ગત શાળામાં ઘણા બધા વુક્ષોનું વાવેતર તથા જતનની જવાબદારી નિભાવેલ છે. શાળામાં એસ.એમ.સી.માં મહિલા સભ્ય તરીકે નબળા તથા ગેરહાજર રહેલા બાળકોને માર્ગદર્શન પુરૂ પાડયુ છે.

સિસ્ટર નિવેદીતા સ્કુલ ઓન વ્હીલ્સ-રાજકાટ જવી સંસ્થાઓ સાથે જોડાઇને શાળામાં વ્યસનમુકિત, મુલ્યશિક્ષણ, વિજ્ઞાનના પ્રયાગો, અંક લેખન, મડીકલ કમ્પ, વાંચન શિબિર જેવા સફળ કાર્યક્રમો કરતા રહે છે.

તેઓ પોતાના વધારાના સમયમાં આદર્શ માધ્યમિક શાળા-અમરાપુર તથા અમરાપુર બી.એડ. કોલેજમાં જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડે છે. કોળી પટેલ સમાજના સમૂહલગ્ન તથા ઈનામ વિતરણમાં પોતાનું શ્રમદાન કરે છે.

તેઓને શાળામાં બોર, કોમ્પ્યુટર, રમતગમતના સાધનો વગેરે માટે ધારાસભ્ય તથા સંસદસભ્યની ગ્રાન્ટ મેળવેલ છે. હરેશભાઈ ચૌધરી તથા ગાંધીનગરથી તેમની સાથે આવેલ ટીમે અચાનક જ તેમના વર્ગની મુલાકાત લીધેલ. તેઓ ખુબ પ્રભાવિત થયેલ અને શિક્ષકનાં વર્ગકાર્યને બિરદાવેલ. ગુણોત્સવ દરમ્યાન આવેલ વિંછીયાના મામલતદારે શિક્ષકે બાળકો પાસે કરાવેલ કવીલીંગ વર્ક જોઇને વિદ્યાર્થીઓને, શાબાશી પાઠવેલ.

શિક્ષકશ્રીએ અનેક રાજય અને રાષ્ટ્રીય કક્ષાના સેમીનારમાં અનેકવાર હોજરી આપેલ છે-તેઓએ તેમાં પેપર પ્રેઝન્ટેશન પણ કર્યા છે. તેમના પેપર અલગ-અલગ મેગેઝીનમાં પણ પ્રકાશિત થયેલ છે.  (કોરોના મહામારી દરમ્યાન યોજાયેલા અનેક વેબીનાર અને ઓનલાઇન કવીઝમાં ભાગ લીધેલ છે) બે પુસ્તકો પણ પ્રકાશિત  કર્યા છે અને એક પુસ્તક પ્રકાશન હેઠળ છે.

કોરાના વાઇરસની મહામારીના લોકડાઉન સમયે તેમને ખેતરમાંથી શાકભાજી તથા છાશ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ એકઠી કરીને નબળા વર્ગના લોકો સુધી પહોચાડવાનું લોકોપયોગી કાર્ય કરેલ છે.

ભાવિશાબેન બાવળીયાને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમ્યાન શિક્ષણ વિભાગ ગુજરાત રાજય તરફથી પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન મળેલ છે. તેઓ એક સારા શિક્ષક તરીકે ઉભરી આવતા ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટ તરફથી તેમને રાજકોટ જિલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ છે.

(11:47 am IST)