સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

જુનાગઢમાં હવે ખોટા નામે રિપોર્ટ કરાવવાનું કારસ્તાન : પાંચને કોરોના

કેશોદના પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલને કોરોના

(વિનુ જોષી) જુનાગઢ તા. ૮ : જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જુનાગઢમાં હવે ખોટા નામે રિપોર્ટ કરાવવાનું કારસ્તાન શરૂ થયું હોવાનું જાણવા મળેલ છે.

જેમાં પાંચ વ્યકિતએ રિપોર્ટ કરાવેલ હતા તે તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવા સપ્તાહના પ્રથમ દિવસ ગઇકાલે સોમવારના રોજ જિલ્લામાં કુલ નવા કોરોના પોઝિટિવ કેસ ૩૬ નોંધાયા હતા. જેની સામે ૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ. ગઇકાલે એક જ દિવસમાં જુનાગઢ સીટીમાં ૧૭ પોઝિટિવ કેસ સામે આવેલ.

પરંતુ જુનાગઢમાં કેટલાક લોકોએ કોરોનાના ખોફ વચ્ચે ખોટા નામે રિપોર્ટ કરાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢના ગાંધીગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાંચ વ્યકિતએ ખોટા નામ, સરનામા અને ખોટા મોબાઇલ નંબર લખાવીને રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં પાંચેય વ્યકિતનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ. જેના પગલે મનપા તંત્ર આ દર્દીઓની શોધખોળ માટે ધંધે લાગ્યું હોવાનું જાણવા મળેલ છે.

આ પ્રમાણે પોઝિટિવ રિપોર્ટ છુપાવીને દર્દી પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યો હોવાનો ઘાટ સર્જાયો છે.

બીજી તરફ કેશોદ પોલીસ મથકમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે. એક પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સંક્રમિત થતા તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

(12:54 pm IST)