કચ્છના ચીરઇ ગામે મધરાતે ઘરમાં ઘુસેલા બે શખ્સોએ પરિણીતા ઉપર દુષ્કર્મ આચરીને ૧૫ હજારની લૂંટ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : કચ્છમાં વધુ એક વખત મહિલા સુરક્ષા અને કાયદાના ધજાગરા ઉડ્યા છે. ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામમાં ઘરમાં ઘુસી આવીને બે શખ્સોએ છરીની અણીએ પરિણીતા પર દુષ્કર્મ ગુજારી ઘરમાંથી રૂ.૧૫ હજારની લૂંટ ચલાવી હતી.
ભચાઉ પોલીસમાં ભોગ બનનાર પરિણીતાએ બે અજાણ્યા ઈસમો સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. ગત બે તારીખની મધ રાત્રે નાની ચિરઈ ગામમાં આ બનાવ બન્યો હતો. પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના બે અજાણ્યા ઈસમો ગેરકાયદે રીતે ઘરમાં ઘુસી આવ્યા અને છરી બતાવી પરિણીતા પર વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ ભયનો માહોલ ઊભુ કરી ઘરમાં જે કાંઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી.
આરોપીઓ ફરિયાદીના ઘરમાંથી થેલીમાં પડેલા રૂ.૧૫ હજાર રોકડા લઈને નાસી ગયા હતા. જેથી પરિવાર સાથે ચર્ચા કરાયા બાદ ભોગ બનનાર પરિણીતાએ ગઈકાલે રાત્રે ભચાઉ પોલીસમાં આરોપીઓ સામે દુષ્કર્મ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પીઆઈ એસ.એન.ગડુએ તપાસ હાથ ધરી છે.