સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કાલે ૧૫મો યુવક મહોત્સવ

વેરાવળમાં ૨૬ સંસ્કૃત કોલેજના ૩૧૬ સ્પર્ધકો ભાગ લેશે

પ્રભાસ પાટણ તા. ૮ : રાજય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૫માં યુવક મહોત્સવનો તા. ૯મી ડિસેમ્બર નાં રોજ સવારે ૧૧ કલાકે શુભારંભ કરાવશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ યુવક મહોત્સવમાં ૪૪ જેટલી સ્પર્ધામાં રાજયભરની ૨૬ સંસ્કૃત કોલેજના ૩૧૬ સ્પર્ધકો ભાગ લેશે. ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી, પીએચ. ડી.–શંસોધન વિષય પર કાર્યશાળા સહિતના કાર્યક્રમો યોજાશે.

વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના પરિસરમાં યોજાનાર આ યુવક મહોત્સમમાં સંસ્કૃત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા હાલમાં પ્રકાશિત કરવામાં આવેલ વૈયાકરણસિધ્ધન્તભૂષણમ્ ભાગ-૩, સુભાષિતશતકમ્ અને સંસ્કૃતસાહિત્યે વાગર્થવિચાર : ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. તેમજ સી.પી. ચોકસી આર્ટ્સ એંડ કોમર્સ કોલેજ, વેરાવળના પૂર્વ પ્રધાનાચાર્ય તથા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સંસ્કૃતના વિદ્વાન ડો. જે. ડી. પરમારનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવશે.

આ યુવક મહોત્સવમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના તથા સંલગ્ન કોલેજના અને ગીર સોમનાથ જિલ્લાની અન્ય કોલેજના પ્રધાનોચાર્યો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સહભાગી થશે.

આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના જયશંકર રાવલ, સારસ્વત અતિથિરૂપે ભકત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદી, અધ્યક્ષ સ્થાને  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ  લલિતકુમાર પટેલ, અને આમંત્રક તરીકે યુનિવર્સિટીના કુલસચિવ ડો. દશરથ જાદવ ઉપસ્થિત રહેશે.

(11:00 am IST)