સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

જામકંડોરણા પંથકમાં ત્રણ સિંહો ચડી આવ્યા

મોટાભાદરા ગામની સીમમાં વાછરડાનું મારણ કર્યુઃ સાજડીયાળી ગામની સીમમાં દેખા દીધી

જામકંડોરણાના મોટાભાદરા ગામની સીમમાં વહેલી સવારે સિંહોએ વાછરડાનું મારણ કર્યુ ત્યારબાદ સાજડીયાળી ગામે દેખાયા હતા જેના સગડના નિશાન અને સ્થળ મુલાકાત લેતા અધિકારીઓ તસ્વીરમાં નજરે પડે છે(૨-૯)

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૮ :. તાલુકાના મોટાભાદરા ગામની સીમમાં મંગળવારે વહેલી સવારે સિંહો ચડી આવ્યા હતા અને મોટાભાદરા ગામના વ્રજેશભાઈ રમેશભાઈ પોકીયાની વાડીએ પશુઓ પર હુમલો કરતા વાછરડાનું મારણ કર્યુ હતું. સીમમાં ખેતમજુરો દ્વારા બુમાબુમ કરવામાં આવતા આ આવેલ ત્રણ સિંહો ત્યાંથી ધોળીધારની સીમ તરફ જતા રહ્યા હતા અને ત્યાંથી તાલુકાના સાજડીયાળી ગામની સીમમાં જતા રહ્યા હતા.

સાજડીયાળી ગામમાં લાલજીભાઈ સોજીત્રાની વાડીમાં તુવેરમાં આ ત્રણેય સિંહો પહોંચ્યા હતા. માહિતી મળતા ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમ સ્થળે પહોંચી લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવેલ તેમજ મામલતદાર વી.આર. મુળીયાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી.આર. બગથરીયા અને મામલતદાર કચેરીના પ્રશાંતભાઈ મહેતાએ સાજડીયાળી ગામે સ્થળ ઉપર જઈ રેન્જ ફોરેસ્ટ અધિકારી સાથે મુલાકાત કરી હ૯તી.

આ ગામડાઓમાં સિંહો દેખાતા લોકોમાં તેમજ ખાસ કરીને ખેડૂતોમાં ભય ફેલાયો છે. આ સિંહના દેખાવાના સમાચાર જામકંડોરણા તાલુકામા ફેલાતા લોકોમાં તેમજ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. જામકંડોરણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સાજડીયાળી ગામના રહીશ કરશનભાઈ સોરઠીયાએ આ હિંસક પ્રાણી હોવાથી માલ ઢોરને મકાનની અંદર બાંધવા અને મજુરોને મકાનની અંદર રહેવા વિનંતી કરવામાં આવેલ છે.

(11:57 am IST)