સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

કચ્છમાં કોરોનાની બેકાબૂ ગતિઃ ૩૨ નવા કેસ સાથે કુલ દર્દીઓ ૧૫૦૦નો આંક વળોટી ગયા

મોતના આંકડા છુપાવવાનો આક્ષેપઃ માંડવીના બીદડા ગામે બે મોત પછી રેપીડ ટેસ્ટના નામે સોથી વધુ પોઝિટિવ કેસ હોવાની સોશ્યલ મીડીયામાં ફેલાયેલી અફવાથી લોકોમાં ગભરાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૯: કચ્છમાં કોરોના બેકાબૂ ગતિ સાથે આગળ ધપી રહ્યો છે. વધુ ૩૨ કેસ સાથે હવે પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો ૧૫૦૦ ને પાર કરીને ૧૫૦૩ ઉપર પહોંચ્યો છે.

એકિટવ કેસ ૨૫૮ જયારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૧૬૫ છે. જોકે, મૃત્યુ આંકની ગરબડ હજીયે યથાવત છે. વળી, કચ્છમાં તંત્ર દ્વારા માહિતી પૂરી ન અપાતી હોવાની સતત ફરિયાદો હોઈ લોકોને વધુ ડર અને ગભરાટ છે. જોકે, તેમાંયેઙ્ગ ગઈકાલે કચ્છમાં સોશ્યલ મીડીયામાં ફેલાયેલી એક અફવાએ લોકોમાં ખળભળાટ મચાવ્યો હતો.

માંડવીના બીદડા ગામે કોરોનાએ બે માનવ જિંદગીનો ભોગ લીધા પછી ગામમાં કોરોનાના અન્ય દર્દીઓ હોવા છતાંયે તંત્ર માહિતી છુપાવતું હોવાની ચર્ચા હોઈ સતત કોરોનાનો મુદ્દો હોટ ટોપિક બન્યો હતો. તે વચ્ચે સોશ્યલ મીડીયામાં એવી અફવા ચાલી હતી કે બીદડા ગામે રેપીડ ટેસ્ટમાં સો થી વધુ પોઝિટિવ કેસ નીકળ્યા છે. આ અફવાએ મુંબઈ રહેતા કચ્છીઓમાં પણ ખળભળાટ મચાવ્યો હતો.

જોકે, આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓ એક ગામમાં હોય એ પ્રથમ દ્રષ્ટિએ પણ માનવામાં ન આવે અને અફવા જ લાગે એ હકીકત છે. પણ, સોશ્યલ મીડીયાએ દાટ વાળતાં આ અફવાએ જોર પકડ્યું હતું. જોકે, હકીકતે આવું કંઈ ન હોવાની સ્પષ્ટતા મીડીયા દ્વારા પણ કરાઈ હતી.

(10:19 am IST)