સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

મોરબીના હાઉસિંગ બોર્ડના મકાનમાંથી ૫ કિલો ગાંજા સાથે યુવાનની ધરપકડ

મોરબી,તા.૯: મોરબી પંથકમાં દારૂની બદી જાણે કે ઓછી હોય તેમ યુવાનોને ગાંજા જેવા કૈફી દ્રવ્યોના રવાડે ચડાવવા કેટલાક ઈસમો સક્રિય હોય જેને ઝડપી લેવા મોરબી એસઓજી ટીમે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યું હોય જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી એક ઈસમને ૫ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે દબોચી લેવાયો છે.

બનાવની મળતી માહિતી મુજબ જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ જીલ્લામાં ગેરકાયદેસર કૈફી પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમિયાન બાતમીને આધારે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં ૨૧૪ માં રહેતા આશારામ વાલજી હડીયલ (ઉ.વ.૨૮) હાલ રહે મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડ મૂળ ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને આરોપીના મકાનમાંથી ૫ કિલો અને ૭૧૯ ગ્રામ ગાંજો સહીત કુલ રૂ ૬૩,૧૯૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી સામે એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપી તેમજ મુદામાલ બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે.

(11:49 am IST)