સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

વિસાવદરનાં મેવાસાની સીમમાં બાળકોને ફાડી ખાનાર સિંહણ વાડી નજીકથી રાત્રે પાંજરે પુરાઇ

સાત વર્ષની સિંહણને સાસણ એનીમલ કેર સેન્ટરમાં મોકલાઇ

(વિનુ જોશી) જુનાગઢ તા.૯ : વિસાવદરના મેવાસાની સીમમાં દિન દહાડે બાળકને ફાડી ખાનાર સિંહણને મોડી રાત્રે વાડી નજીકથી પાંજરે પુરી વન વિભાગે સાસણ ખાતે મોકલી આપી હોવાનું જાણવા મળેલ છે.

વિસાવદર તાલુકાના વિરપુુર (શેખવા) ગામના રમેશ વજુભાઇ શેખવાની મેવાસા ગામની સીમમાં આવેલ વાડીએ શ્રમિક પરિવારનાં ૬ વર્ષના પુત્ર અમિત ધારમીયાભાઇ મેહડાને ગઇકાલે સવારે ૧૦ વાગ્યે સિંહણે ફાડી ખાયને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મૃતક બાળક તેની નાની બેન સાથે રમતો હતો. ત્યારે સિંહણ આવી ચડી હતી અને સિંહણે અમિત ઉપર હુમલો કર્યો હતો. સિંહઘના ઘાતક હુમલામાં બાળક અમિતનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હતુ.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ અંગેની જાણ થતાં ગીર પશ્ચિમ વિભાગના ડી.સી.એફ. ડો. ધીરજ મિતલ વગેરે દોરીગયા હતા અને સિંહણને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

ડીસીએફ ડો. ધીરજલ મિતલે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, બાળકને મોતને ઘાટ ઉતારનાર સિંહણને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા ગોઠવવામાં આવેલ. તેમાં મોડી રાત્રે ફરી સિંહણ આવી પહોંચી હતી અને વાડી નજીકના એક પાંજરામાં આ સિંહણ આબાદ રીતે સપડાઇ ગઇ હતી.

તેમણે વધુમાં જણાવેલ કે, પકડાયેલ સિંહણની ઉંમર સાતેક  વર્ષની છે અને તેને હાલ સાસણ ખાતેના એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવી છે. તેમજ અન્ય જનાવરને પકડવા માટે પાંજરા યથાવત રાખી વોચ ગોઠવવામાં આવી છે.

(12:52 pm IST)