સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

પત્‍ની સાથે આડાસંબંધની શંકાએ જેતપુરમાં દેવાભાઇ રાઠોડને મિત્રએ છરી ઝીંકી પતાવી દિધો

હત્‍યા કરનાર ઇમરાન ઉર્ફે ઇલ્‍યાસ શેખને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો : કાલે રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ : શહેરમાં પત્‍ની સાથે આડાસંબંધની શંકાએ રીક્ષાચાલક યુવાનને મિત્રએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હતો. હત્‍યા કરનાર ઇમરાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો.

બનાવની વિગત એવી છે કે ઇલાહી ચોક નવાગઢમાં રહેતો દેવાભાઇ સીદાભાઇ રાઠોડ કે જેઓ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે તે ગઇકાલે તેનો મીત્ર ઇમરાન ઉર્ફે ઇલ્‍યાસ અમીન શેખ (રહે. ઇલાહી ચોક) સાથે રીક્ષા લઇ મજુરીકામે ગયેલ બાદમાં સાંજે ૪ વાગ્‍યાના અરસામાં રબારીકા ચોકડી પાસે કોઇ કામ સબબ દુકાને બેઠા હતા ત્‍યારે તેનો મીત્ર ઇમરાન ત્‍યાં બાઇક ઉપર આવી દેવાભાઇ કંઇ વિચારે તે પહેલા જ પોતાના નેફામાંથી છરી કાઢી દેવાભાઇને શરીરે આડેધડ ઘા ઝીંકી લોથ ઢાળી દીધેલ અને પોતે બાઇક ઉપર નાશી છૂટેલ.

લોકોએ આ અંગે સીટી પોલીસને જાણ કરતા પીઆઇ અજયસિંહ હેરમા સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે ધસી જઇ મૃતદેહને પીએમ માટે હોસ્‍પિટલે ખસેડી મરણ જનાર દેવાભાઇના બહેન સંગીતાબેનની ફરીયાદ લઇ ગણતરીના કલાકોમાં જ ઇમરાન શેખને દબોચી લીધેલ. આ અંગે પીઆઇ હેરમાએ જણાવેલ કે આજે તેના રીપોર્ટ કરાવ્‍યા બાદ કાલે તેને રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરાશે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર દેવાભાઇ ભાડેથી ડિઝલ રીક્ષા ચલાવતા હતા અને સંતાનમાં પુત્રી ખુશી (ઉ.૧૬) અને પુત્ર નયન (ઉ.૧૦) છે અને ત્રણ બહેનો છે. હત્‍યા કરનાર ઇમરાન મૃતક દેવાભાઇની રીક્ષામાં જ મજુરી કામે જતો હતો. પાંચેક માસ પૂર્વે ઇમરાનની પત્‍ની પાડોશમાં રહેતા એક છોકરા સાથે જતી રહેતા મૃતક દેવાભાઇએ ઇમરાનની પત્‍નીને પાછી લઇ આવવામાં મદદ કરી હતી અને તેની પત્‍નીને સમજાવી બંને વચ્‍ચે સમાધાન કરાવી દીધેલ. ત્‍યારબાદ દેવાભાઇ ઇમરાનના ઘરે અવાર-નવાર જતા હોય ઇમરાનને તેની પત્‍ની સાથે દેવાભાઇને આડા સંબંધ હોવાની શંકા જતા પત્‍નીને તેના માવતરે મોકલી દિધેલ અને ગઇકાલે ઇમરાને દેવાભાઇને છરી ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

(11:41 am IST)