સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

કેશોદ ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમનો વિજય મતદારોએ ફરીથી પુનરાવર્તન કર્યો  

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૯ : કેશોદ ધારાસભાની બેઠક પર છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વચ્‍ચે ચાલેલી રસાકસી બાદ છેલ્લાં તબક્કામાં ભાજપના ઉમેદવાર અને ગુજરાત રાજ્‍ય સરકારનાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ નો૪૪૪૫ મતે વિજય થયો છે. કેશોદ ધારાસભાની બેઠક પર કુલ મતદાન ૧૫૪૬૩૭ નું થયું હતું જેમાંથી ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ ને ૫૫૮૦૨ મતો મળ્‍યા હતા ત્‍યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હિરાભાઈ જોટવા ને ૫૧૫૯૪ મત મળતાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્‍યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમા ને ૨૪૪૯૭ મત અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પુર્વ ધારાસભ્‍ય અરવિંદભાઈ લાડાણી ને ૧૯૨૭૪ મત મળ્‍યા છે. કેશોદ ધારાસભાની બેઠક આ વખતે યોજાયેલી ચુંટણીમાં ચોતરફી ચુંટણી જંગમાં સમગ્ર જિલ્લામાં હોટ સીટ બની ગયેલ હતી.           

કેશોદ ધારાસભાની બેઠક પર  ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર લોકસંપર્ક પુરજોશમાં પુર્ણ કરેલ હતો તેમજ કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી.  ત્‍યારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા રોડ શો યોજાયો હતો તદ્‌ઉપરાંત હિતુ કનોડિયા ઉતરપ્રદેશના ઉપમુખ્‍યમંત્રીની જાહેરસભા યોજાઇ હતી.  કેશોદના ચાર ચોક વિસ્‍તારમાં ડીજે સાથે અબીલ ગુલાલની છોળો ઉડાડતા ફટાકડાં ફોડી કાર્યકરો એ વિજયોત્‍સવ ઉજવવાની શરૂઆત કરી દીધી હતી. કેશોદ ધારાસભાની બેઠક પર રીપીટ થયેલાં મંત્રી દેવાભાઈ માલમ વિજેતા બની બપોરે કેશોદ ખાતે આવી પહોંચતા પાનદેવ સમાજ પાસેથી શહેરના મુખ્‍ય માર્ગો પર રેલી સ્‍વરૂપે નીકળ્‍યા હતા. જંગી વાહનોનો કાફલો સાથે ખુલ્લાં વાહનમાં  દેવાભાઈ માલમ એ શહેરીજનોનું અભિવાદન ઝીલ્‍યું હતું. 

કેશોદ શહેરનાં મુખ્‍ય માર્ગો પર નીકળેલી રેલીમાં જુનાગઢ જિલ્લા ભાજપના આગેવાનો અને શહેર તાલુકાનાં ભાજપના આગેવાનો હોદેદારો અને પદાધિકારીઓ સહિત કાર્યકરો જોડાયા હતાં અને બે અઢી કિલોમીટર લાંબી રેલી યોજી હતી. DySP બી.સી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ  ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળીની રાહબરી હેઠળ  પોલિસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. આ વખતે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્‍ચે છેલ્લી ઘડી સુધી રસાકસી જામી હતી. કેશોદના બીજી વખત ચૂંટાયેલા ધારાસભ્‍ય દેવાભાઈ માલમે  મતદારો આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:32 pm IST)