સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લોકોની ચર્ચા અને ચિંતા વિશે ભુજના જાણીતા કવિ પબુ ગઢવી 'પુષ્પ' એ લખેલી કવિતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લોકોની ચર્ચા અને ચિંતા વિશે ભુજના જાણીતા કવિ પબુ ગઢવી 'પુષ્પ' એ લખેલી કવિતા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપે છે..

       ટાળજો...

સત્યને     છૂપાવવાનું    ટાળજો, 

લાગણી     છંછેડવાનું    ટાળજો. 

હોય પોઝીટિવ છતાં દેખાય  નહિ, 

રીત એ   અજમાવવાનું  ટાળજો. 

આંકડા આડા  અને અવળા  કરી, 

મૂર્ખતા     દેખાડવાનું      ટાળજો.

ને  પછી  કાગળ  ઉપર  ચેડાં  કરી, 

હીસ્ટરી    બદલાવવાનું   ટાળજો.

એ   મુજબ  નિર્દોષ  લોકોને  કદી, 

રોગમાં     સપડાવવાનું    ટાળજો. 

થાય    ઊહાપોહ   એને   ખાળવા, 

વાસ્તવિક્તા    ટાળવાનું    ટાળજો.   

કોઇનો   મોઘમ  ઇશારો  હોય  તો, 

એય  પણ  ગણકારવાનું   ટાળજો.

મામલો  ગંભીર  છે  એથી  જ તો,

વાતને     વણસાવવાનું    ટાળજો.   

જો  તમારે   નાક  જેવું   હોય  તો, 

ખેલ    ખોટા   ખેલવાનું    ટાળજો.

જે  વદન છે,  એજ  તો  દેખાય છે, 

આયનાને      ભાંડવાનું     ટાળજો. 

જો  કદી  ઠારો  નહીં  તો ઠીક પણ, 

માયલાને      બાળવાનું     ટાળજો.

' પુષ્પ '  જનતાને  બધું સમજાય છે , 

એટલે      ભરમાવવાનું      ટાળજો. 

                   --- પબુ ગઢવી 'પુષ્પ'

(9:32 am IST)