સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

મોરબીમાં ભાજપના ટેસ્ટીંગ કેમ્પમાં ૧૧૦૦માંથી ૧૮૬ લોકોને કોરોના

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી  તા. ૧૦ : જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અને સ્થિતિ કાબુ બહાર જતા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી ઉપરાંત રાજયના સચિવોની ટીમ મોરબી પહોંચી હતી અને કોરોના સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું ત્યારે ભાજપ દ્વારા ટેસ્ટ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હોય જેમાં ૧૧૦૦ ટેસ્ટ કરતા ૧૮૬ દર્દી પોઝીટીવ આવ્યા હતા. મોરબી જીલ્લામાં પ્રતિદિન કોરોનાના ૨૫ થી ૩૦ અને છેલ્લા દિવસોમાં વધીને ૩૫ આસપાસ કેસો બતાવવામાં આવે છે. જોકે ભાજપ દ્વારા કોરોના ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો સવારથી સાંજ સુધીમાં ૧૧૦૦ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો અને ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ૧૮૬ લોકો પોઝીટીવ આવ્યા હોવાની માહિતી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાએ આપી હતી તો આજના ભાજપના કેમ્પના આંકડા તંત્ર બતાવશે કે હજુ આંકડા છુપાવી દંભી વલણ જાળવી રાખશે તે જોવું રહ્યું.

આરોગ્ય વિભાગે ૪૦ કેસો જાહેર કર્યા

મોરબી જીલ્લામાં કોરોના મહામારી બેકાબુ બની ગઈ છે અને તંત્ર આંકડા છુપાવતું હોય તેવી આશંકા માધ્યમો લાંબા સમયથી વ્યકત કરી રહ્યા હોય જે મેલી રમત આજે ખુલ્લી પડી ગઈ છે મોરબીમાં ભાજપના કેમ્પમાં ૧૮૬ દર્દી પોઝીટીવ જાહેર થયાની સત્તાવાર માહિતી આપી હતી જયારે આરોગ્ય વિભાગે મોરબી જીલ્લામાં ૪૦ નવા કેસો જાહેર કર્યા છે. મોરબી જીલ્લામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જોવા મળી રહી છે અને રાજયના મુખ્યમંત્રીને પણ દોડીને મોરબી આવવાની ફરજ પડી હતી જોકે પ્રતિદિન આરોગ્ય વિભાગ ૨૫-૩૦ થી લઈને ૩૫ જેટલા કેસો જાહેર કરે છે જેની પોલ આજે ખુલી જવા પામી છે. ભાજપ દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ કોરોના ટેસ્ટ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હોય જેમાં રેપીડ ટેસ્ટમાં માત્ર મોરબી શહેરમાં ૧૧૦૦ પૈકી ૧૮૬ પોઝીટીવ જાહેર થયા હત જયારે આરોગ્ય વિભાગે જીલ્લામાં ૪૦ દર્દી કોરોના પોઝીટીવ હોવાનું અને ૨૫ દર્દી સ્વસ્થ થયાનું જાહેર કર્યું છે.

(12:56 pm IST)