સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

કચ્છમાં છેલ્લા ૩૫ દિ'માં કોરોનાએ ૧૫૦નો ભોગ લીધો : હવે બાળકોમાં કેસ દેખાતા ચિંતા

તંત્ર અને નેતાઓ ઉદ્ઘાટનોમાંથી બહાર આવે : રસીની ચારે તરફ બૂમરાણ : તો લખપત, ખાવડા, રાપરમાં તબીબી સુવિધા ઉભી કરવા માંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે, શનિ અને રવિ બે દિવસમાં સરકારી ચોપડે ૯ મોત નોધાયા છે, જયારે નવા ૩૬૮ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ૩૨૭૬ થઈ છે.

જોકે, ચિંતાજનક વાત એ સામે આવી છે કે ભુજની પટેલ ચોવીસીના ગામડાઓમાં નાના બાળકોમાં કોરોનાના પોઝિટિવ કેસ દેખાયા છે. જેની ગંભીરતા સમજી ભુજ લેવા પટેલ સમાજ દ્વારા લોકોમાં કોરોના અંગેની સાવચેતી લાવવા અને સારવાર માટે આયોજન કરાયું છે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે, ખુદ પ્રજાકીય પ્રતિનિધિઓ અને તંત્ર બન્ને પ્રસિદ્ઘિના મોહમાં છે. પરિણામે, સરકારની ગાઇડલાઇન પ્રમાણે લોકોને કાર્યક્રમોથી દૂર રહેવા તાકીદ કરાઇ છે. પણ, વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવાને બદલે સ્થળ પર જઈ ઉદ્દઘાટન કાર્યક્રમો કરાય છે.

સુવિધા ઊભી થાય તે સારી વાત છે પણ વર્ચ્યુઅલ ને બદલે પદાધિકારીઓ અને તંત્ર હજીયે ઉદ્દઘાટન કાર્યક્રમોનો મોહ છોડી શકતા નથી. આવા કાર્યક્રમોને કારણે તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ રોકાઈ જાય છે. વાસ્તવિકતા એ છે કે, અત્યારે કચ્છમાં કોરોનાની સારવારની અધૂરાશો, દવા, ઓકિસજન, ફળોના ઊંચા ભાવો સાથે કાળાબજાર ચાલી રહ્યા છે. રસીની બૂમરાણ છે. લોકો પરેશાન છે. પણ, તંત્ર અને નેતાઓ દ્વારા પ્રજાની મુશ્કેલીઓને નજર અંદાજ કરાય છે.

શાસક પક્ષ ભાજપે તો રાજકીય ધરણાં અને દેખાવો યોજેલા દેખાવો ભારે સોશ્યલ મીડિયામાં અને લોક ચર્ચામાં ભારે ટીકાનું કેન્દ્ર બન્યા છે. કચ્છમાં સરકારી ચોપડે પણ કોરોના બિહામણો બની રહ્યો છે. માત્ર ૩૫ દિવસમાં જિલ્લામાં કોરોનાએ ૧૫૦ માનવ જિંદગીનો ભોગ લીધો છે.

જોકે, સ્પષ્ટપણે બિન સત્તાવાર મોતનો આંકડો ભારે ઊંચો છે, તેનું કારણ ભુજ ઉપરાંત સુખપર ગામે સ્મશાન શરૂ કરવું પડ્યું તે ઉપરાંત આરએસએસ અને ભૂતનાથ સેવા સંસ્થાની મદદથી સવારથી સાંજ સુખપર અને સાંજ થી પરોઢ સુધી ભુજ એમ ૨૪ કલાક સુધી મૃતદેહોની અંતિમવિધિ ચાલી રહી છે.

જોકે, કોરોનાનો વ્યાપ આ વખતે તો ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી ચૂકયો છે. ખાવડા અને કાળા ડુંગર વિસ્તારમાં પ્રથમ લહેરમાં જયાં કોરોના નહોતો પણ આજે કોરોના એ પગદંડો જમાવતા હવે ત્યાં કોવિડ સેન્ટર શરૂ કરવા માંગ કરાઈ છે. એ જ રીતે લખપતમાં કોવિડ સેન્ટર ઉભુ કરવા તેમ જ રાપરમાં કોવિડ સેન્ટરમાં રહેલી અધૂરાશો દૂર કરવા સતત માંગણી થઈ રહી છે.

(11:09 am IST)