સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th June 2023

પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ બીપોરજોય વાવાઝોડા સામે તકેદારી રાખવા તંત્ર દ્વારા ફિલ્ડ પર જનજાગૃતિ : આજે રાત્રે એનડીઆરએફની એક ટીમ પોરબંદર આવશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે લોકોને સાવચેત રહેવા નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને માછીમારોને દરિયામાં ન જવા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની અપીલ : સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી સંદર્ભે જરૂરી પગલાં લેવા અને રાઉન્ડ ક્લોક કામગીરી કરવા કલેકટર કે.ડી. લાખાણીએ અધિકારી કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૧૦ અરબી સમુદ્રમાં સર્જાયેલ બીપોરજોય વાવાઝોડું સંદર્ભે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અન્વયે સંભવિત વાવાઝોડા સામે તકેદારી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં ખાસ કરીને દરિયા કાંઠાના ગામો અને દરિયાકાંઠાના વિસ્તારોના નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

પોરબંદરના કલેક્ટર  કે.ડી. લાખાણી ના માર્ગદર્શનમાં તાલુકા ગ્રામ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ સંબંધિત વિભાગો અને કચેરીઓના કર્મચારીઓને એલર્ટ કરી લોકોને સાવચેત કરવા અને જરૂરી માહિતી આપવા તેમ જ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે અંગેની આગોતરી તૈયારી કરી લેવા પણ જણાવી દેવામાં આવ્યું છે.

સાઇક્લોન  સેન્ટર ટુકડા, ઉંતડા ,ગોરસર અને પાલખડામાં પણ જરૂરી પૂર્વ તૈયારી કરવામાં આવી છે.

 રાણાવાવ અને પોરબંદર તાલુકાના ગામોમાં ખાસ કરીને પોરબંદર તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં જરૂરી પૂર્વ તૈયારીઓ અને કર્મચારીઓને જરૂરી પગલા તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે.

સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે એનડીઆરએફની 50 જવાનોની એક ટીમ પણ પૂર્વ તૈયારી રૂપે આજે સાંજે પોરબંદર ખાતે આવશે. રોડ પર સંભવિત જાનહાની અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે મોટા હોલ્ડિંગ્સ પણ ઉતારવામાં આવ્યા છે.

(3:15 pm IST)