સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

જોડિયા વિસ્તારમાં સરકારી ખરાબો પર દબાણ વધ્યા

વિપક્ષ બેકફુટ-શાસક અને સરકારીતંત્ર કુંભકરણની ભુમિકામાં

(રમેશ ટાંક દ્વારા) જોડિયા તા.૧૦ : પંચાયતી રાજમાં શાસકોના પાપે સ્થાનિક સ્તરે સરકારી ખરાબો અને નિચાણવાળા વિસ્તારમાં દબાણ વ્યાપક રીતે વધ્યુ છે જેના લીધે દર વર્ષે વરસાદી પાણી નિકાલ બંધ થતા જોડિયાની પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાધાકૃષ્ણ મંદિરના નિચાણવાળા વિસ્તાર અને ક્રોઝવેની બંને બાજુ ઠેર ઠેર ઢોર વાળાનુ દબાણ વધ્યુ છે.

ઉપરાંત ઘર શાળા, ચાર ધામ અને ગીતા મંદિરનો જોડિયાના પાછલો ખેડૂત માર્ગ રાજાશાહી વખતમાં ૬૦% ફુટનો ધરાવતો હતો. જે પંચાયતી રાજમાં તે ખેડૂત માર્ગમાં બંને બાજુ ગેરરીતે મકાનોનુ નિર્કાણ થઇ ચુકયુ છે. ઉપરાંત માર્ગથી સીમ વિસ્તારનું પાણી નિકાલ પણ હતો. જે દબાણથી પ્રભાવિત બનેલ છે. જોડીયાની પંચાયતબોડી જે તે શાસકો દ્વારા અનેક વખત દબાણ સામે ઠરાવ કરી ચુકેલ છે.પરંતુ તેનો અમલ કરવામાં શાસકો અને સરકારી તંત્ર મૌન છે. દબાણના મુદ્દેથી પ્રજાના મનથી ચુંટાયેલા જન પ્રતિનિધિનું મૌનનું પાછળ મતનું રાજકારણ દેખાઇ રહ્યુ છે.

જોડીયાનો અતિ નિચાણવારો વિસ્તાર જોડીયા અને લક્ષ્મીપરા વચ્ચેનો વિસ્તાર જે વરસાદી પાણીના નિકાલ માટે જાણીતો હતો. ક્રોઝવે અને માર્ગની આજુબાજુમાં શાસકોની મિઠી નજર હેઠળ ગેરકાયદેસર મકાનો ખડકલો જોવા મળી રહી છે. વરસાદી પાણી ઉપરાંત ભુગર્ભ ગટરનુ દુષિત પાણીના નિકાલ માટે પંચાયત શાસકો માટે ટંકશાળ સાબિત થઇ રહ્યુ છે.

છેલ્લા છ માસથી કુજડ, બાદનપર અને લક્ષ્મીપરા વિસ્તારની પ્રજાને જોડીયા આવવા ઉપરોકત માર્ગ બંધ હોવાથી લાંબા રૂટનો સહારો લેવો પડે છે.

એક દાયકા પુર્વ જોડીયાને વિકાસના સપના બતાવવા વાળા વિકાસ પુરૂષ કયા ગયા? એ જ વિકાસ પુરૂષ આજે સતાસ્થાને બિરાજી રહ્યા છે. જેના પાપે આજે જોડીયાની પ્રજા વિકાસને બદલે વિનાશનો અનુભવ કરી રહી છે. ઠેરઠેર અસ્વચ્છતા, અશુધ્ધ પીવાનુપાણી, સફાઇનો અભાવ જોવા મળે છે.

(1:03 pm IST)