સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

જેતપુરમાં તબીબ અને સ્ટાફ પર હુમલાના ઘેરા પડઘા : મધરાતથી તમામ ખાનગી હોસ્પિટલો ત્રણ દિવસ માટે બંધ રાખવા જેતપુર IMA નો નિર્ણંય જનરલ પ્રેક્ટિશનર અને કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસો. એ મોડી રાત્રે બંધને ટેકો જાહેર કર્યો

આરોપી કોરોના પોઝિટિવ હોવાથી અટકાયતમાં વિલંબ : પોલીસે કાર્યવાહીની ખાતરી આપી છતાં તબીબી આલમ હડતાલ માટે મક્કમ : મામલો વધુ ગૂંચવાયો

જેતપુર : જેતપુરમાં તબીબ અને સ્ટાફ પર હુમલાના ઘેરા પડઘા પડ્યા છે આજે રાત્રે 12 વાગ્યાથી શહેરની તમામ ખાનગી હોસ્પિટલો ત્રણ દિવસ માટે બંધ રાખવા જેતપુર IMA દ્વારા નિર્ણંય લેવાયો છે. તબીબ અને સ્ટાફ પર હુમલાનો યોગ્ય નિરાકરણ નહિ આવતા તબીબ આલમમાં ભારે રોષ ફેલાયો છે અને આજે મધરાતથી તમામ ખાનગી હોસ્પિટલો બંધ રાખવા  જેતપુર IMA દ્વારા નિર્ણંય લેવાયો છે.

 દરમિયાન જેતપુર જામકંડોરણા મેડિકલ એસોસિએશન મુજબ હાલમાં ડોક્ટર્સ પોતાના જીવ ના જોખમે દર્દી ની સારવાર કરે છે તેમ છત્તા અમુક દર્દી તથા તેમના સગાઓ ડોકટર તથા સ્ટાફ ને સહકાર આપવાના બદલે હોસ્પિટલ ને નુકશાન તથા તબીબો પર હુમલાઓ કરે છે. આથી ડોકટર તથા મેડિકલ સ્ટાફમાં ભયની લાગણી સર્જાયેલ છે. જેના અનુસંધાને IMA જેતપુર જ્યાં સુધી પરિસ્થિતિનુ સમાધાન ના થાય ત્યાં સુધી હડતાળ પર જઈ રહ્યું છે. તેમના મોડી રાત્રે આ સંદર્ભે JJMA - જેતપુર પણ આવી ઘટના ને સખત શબ્દો માં વખોડે છે અને આ હડતાળ ને સંપૂર્ણ પણે ટેકો જાહેર કરે છે. જ્યાં સુધી આ મુદ્દા નું સમાધાન ના થાય ત્યાં સુધી પોતાના ક્લિનિક પર તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ બંધ રાખશે તેમ જાણવા મળે છે.

બીજીતરફ જેતપુર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન પણ હડતાળ માં જોડાયા છે. આ ઘટના અનુસંધાને જેતપુર કેમિસ્ટ એસોસિએશન જેતપુર -IMA ની સાથે રહીને તા. 11-09-2020 ને શુક્રવાર ના જેતપુરના તમામ મેડિકલ સ્ટોર બંધ રહેશે.

   જેતપુર નગરપાલિકા ના પ્રમુખના દિયરે પોતાને ખોટી રીતે કોરોના પોઝીટીવ બતાવ્યો હોવાની વાતે હોસ્પિટલમાં ગાળાગાળી કરી ડોક્ટર તેમજ સ્ટાફ પર હુમલા ની કોશીશ ના બનાવ માં પોલીસે આરોપી ને રાતોરાત પકડી પોલીસ બંદોબસ્ત હેઠળ રાજકોટ સારવારમા ધકેલી દીધો હતો, પરંતુ ડોક્ટરો પર હુમલા ના બનાવો વધી ગયાં હોય તેનો યોગ્ય નિરાકરણ નહી આવતાં આ જ રાત બાર વાગ્યા થી તમામ ખાનગી હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ રહેવાનો આઈ.એમ.એ. એ ઠરાવ કર્યો છે.

 બીજીતરફ હોસ્પિટલમાં ધમાલ કરનાર આરોપી કોરોના પોઝિટિવ હોવાથી પોલીસને અટકાયતી પગલાં લેવામાં કોરોનાનો પ્રોટોકોલ નડી રહ્યો છે. અલબત્ત આરોપી કોરોના નેગેટિવ આવ્યા બાદ તેના સામે કાર્યવાહી કરવા પોલીસે સમજાવટ કરી હતી પરંતુ તબીબો આરોપી સામે તાકીદે આકરા પગલાં લેવાની માંગમાં મક્કમ હોય મામલો ગુંચવાયો છે.

કોરોના પોઝિટિવ આરોપી સામે અટકાયતી પગલાં નહિ લઇ શકવાની વાત તબીબોને ગળે ઉતરતી નથી. તબીબો તેની સામે આકરા પગલાં અને તેની લેખિત ખાતરી માંગી રહ્યાંનું જાણવા મળે છે, જે પોલીસ માટે શક્ય ન હોવાનું કાનૂની નિષ્ણાતો નું માનવું છે.

(1:02 am IST)