સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ભાવનગર : કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ૯૦માં સ્થાપના દિવસની ઉજવણી

ભાવનગર : વર્ષ ૧૯૩૨માં સ્થપાયેલી  કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ૯૦માં સ્થાપના દિવસની ઉજવણી દીપકભાઈ પરમાર ડાયરેકટર અને વિપુલભાઈ પરીખ મેનેજર (ફેકલ્ટી) સ્ટેટ બેંક ઈન્સ્ટીટ્યુટ ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ ૨૦૧૯-૨૦નો હેલનકેલર એવોર્ડ ભાવુ બારૈયા તેમજ અર્જુન એવોર્ડ કેતન સોલંકી અને સંસ્થાની શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે દ્રોણાચાર્ય એવોર્ડ કીર્તિદાબેન ભટ્ટને મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરાયા હતા. વિવિધ કાયમી યોજના અંર્તગત વિદ્યાર્થીઓને પુરસ્કારો અપાયા હતા. આ પ્રંસગે ઓનલાઈન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ જેવી કે કોન બનેગા બ્રેઇલપતિ, એક પાત્રીય અભિનય, સુર સંગીત, કાવ્ય પઠન, વકતૃત્વ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી અનુક્રમે રૂ.૫૦૦, રૂ.૩૦૦ અને રૂ.૨૦૦ના રોકડ પુરસ્કારો અપાયા હતા.શાબ્દિક સ્વાગત માનદમંત્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું. જયારે પ્રાર્થના જયોતિષા પરમાર અને શાળાગીત અંકિતા ચૌહાણે રજુ કર્યું હતું. આ પ્રસંગે પ્રેરક ઉદબોધન શાળા વિકાસ કમિટી મુંબઈના ચેરમેન કિર્તીભાઈ શાહે આપ્યું હતું. જયારે સંસ્થાના પ્રમુખ  શશીભાઇ વાધરે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે આવતા વર્ષે સંસ્થા ૯૦ વર્ષ પૂર્ણ કરશે. સંસ્થાની આ નવ દાયકાની યાત્રાને શબ્દદેહ આપવા કાર્યરત કર્મવીરો અને કાર્યકરો ઊર્મિની ઉષા નવ દાયકાની સફરઙ્ખ જયારે શાળાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અલબેલી આંખો અમારી મારી શિક્ષણયાત્રા વિષય પર પોતાના અનુભવો આધારિત લેખો તૈયાર કરશે. આ બંને પુસ્તકોનું વિમોચન આગામી વર્ષે કરવામાં આવશે. એટલુજ નહી દસ વર્ષ સુધી જુદાજુદા શીર્ષકો નીચે અવનવા કાર્યક્રમો આપવામાં આવશે અને ૨૦૩૨માં સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ પ્રસંગે આભારવિધિ સંસ્થાના ટ્રસ્ટી શ્રી પંકજભાઈ એન. ત્રિવેદીએ કરી હતી સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું

(12:12 pm IST)