સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th May 2022

કાલે ખંભાળિયામાં અંડરબ્રીજ સહિત ૪ સુવિધાઓનું લોકાર્પણ પુનમબેન માડમ, વિક્રમભાઇ માડમ સહિતના ઉપસ્થિત રહેશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૧:શહેરમાંથી જામનગર તરફ જવા માટે તમામ જગ્યાએ રેલવે ફાટક હોય ફાટક બંધ કે ટ્રેઇન આવે ત્યારે ઇમરજન્સીમાં વાહનો જામનગર રોડ તરફ ના જઇ શકતા હોય સાંસદ પુનમબેન માડમને રજુઆતો થતાં તેમણે સતત બે વર્ષની જહેમતના અંતે અંડરબ્રીજ આધુનિક સગવડવાળો રેલવે તંત્ર પાસે બનાવડાવ્યો હોય આ અંડરબ્રીજ તથા અન્ય ત્રણ સેવાઓનું લોકાર્પણ આવતીકાલે યોજાયું છે.

રેલવે સ્ટેશન વિસ્તારમાં કુલ ચાર નવી સવલતોનું લોકાર્પણ થશે. જેમાં લાખોના  ખર્ચે અંડરબ્રીજ તથા પ્લેફોર્મ નં.ર પર નવી બનાવાયેલી યાત્રી, લીફટ પ્લેટફોર્મ નં.૧ પર નવો બનાવાયેલો કવર શેડ તથા પ્લેટફોર્મ-૧ અને ર પર યાત્રિકોની સુવિધા માટે પાણીના નળની વ્યવસ્થા કરાઇ છે.

આ તમામ સુવિધાઓનું લોર્કાપણ સાંસદ પુનમબેન માડમ કરશે. જે કાર્યક્રમમાં ધારાસભ્ય  ખંભાળિયા વિક્રમભાઇ માડમ પણ ઉપસ્થિત રહેશે.

અગાઉ પણ સાંસદ પુનમબેન માડમના પ્રયાસોથી ફુટ ઓવરબ્રીજ, બીજુ પ્લેટફોર્મ, લીફટ તથા શેડ તથા બેંચોની સવલતો ઉભી થઇ હતી. તે પછી વધુ સવલતો પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં ડી.આર.એમ.અનિલકુમાર જૈન તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 

(1:30 pm IST)