સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

નખત્રાણામાં ખુલ્લેઆમ દારૂ વેંચાય છેઃ પોલીસ અધિકારીઓ ફોન ઉપાડતા નથીઃ ડીએસપીના લોકદરબારમાં તા.પં. પ્રમુખ અને ધારાસભ્યની ફરિયાદથી ખળભળાટ

પવનચક્કીઓના વિરોધ દરમ્યાન પોલીસ લખેલા વાહનમાં આવતાં શખ્સોની ખેડૂતો સામે દાદાગીરીઃ સરહદી તાલુકામાં નિષ્ઠાવાન કડક પોલીસ અધિકારીઓની જરૂરત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: રાજય સરકાર અને ગૃહમંત્રી ભલે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના વખાણ કરે પણ સરહદી કચ્છ જિલ્લાના પશ્ચિમી સરહદના તાલુકા નખત્રાણામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દેશની સુરક્ષા માટે પણ ચિંતાજનક છે. પશ્ચિમ કચ્છના એસપી સૌરભસિંદ્ય દ્વારા નખત્રાણા મધ્યે યોજાયેલા લોકદરબારમાં ભાજપના આગેવાનોએ સ્થાનિક પોલીસના અધિકારીઓની કામગીરી સામે અણિયાળા સવાલો કર્યા હતા. પ્રાંત કચેરીના હોલમાં યોજાયેલા લોકદરબારમાં તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલે નખત્રાણા વિસ્તારના બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, જિલ્લાના ભાજપ અગ્રણી અને ચૂંટાયેલા પ્રતિનિધિ જયસુખ પટેલે જયારે એવું કહ્યું હતું કે, જો પોલીસ પગલાં ભરવા તૈયાર હોય તો પોતે દારૂ વેચાણના પુરાવાઓ આપવા તૈયાર છે. નિષ્ક્રિયતાથી પોલીસની છાપ ખરડાતી હોવાનો આક્ષેપે ખળભળાટ સજર્યો હતો. તો, ભાજપના જ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓ મારો જો ફોન ઉપાડતાં નથી. જો પોલીસ ધારાસભ્યનો ફોન ન ઉપાડે તો પ્રજાને કેટલી મુશ્કેલી પડતી હશે? બેઠક દરમ્યાન નખત્રાણા પંથકમાં પવનચક્કીની કંપનીઓ દ્વારા ખેતરમાં અને ગૌચર જમીનમાં લાઈન નાખવા કરાતી દાદાગીરી દરમ્યાન વિરોધ કરતા ખેડૂતોને ખાનગી વાહનમાં પોલીસ લખેલા શખ્સો દ્વારા દાદાગીરી કરાતી હોવાના આક્ષેપો પણ થયા હતા. તે સાથે નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર કરવા સૂચનો કરી મહેસૂલ વિભાગની લાપરવાહી અંગે અસંતોષ વ્યકત કરાયો હતો. બેઠકમાં તાલુકાના આગેવાનો અને વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:32 am IST)