સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

કેશોદના પાડોદરમાં ટ્રેકટરના ફેરા બાબતે યુવક પર જીવલેણ હુમલો

ગામ લોકો એકઠા થતાં આરોપીઓ કાર મૂકી ભાગ્યા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૧: કેશોદ તાલુકાના પાડોદર ગામે પૈસાની ઉઘરાણી બાબતે રામશીભાઈ ડેર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન શખ્સે રાડારાડી કરતા હુમલાખોરો કાર મુકી નાસી ગયા હતા.

કેશોદ તાલુકાનાં પાડોદર ગામના ખેતીકામ કરતાં રામશીભાઈ છગનભાઈ ડેર પર જીવલેણ હુમલો થતાં ઈજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે કેશોદ સરકારી દવાખાને લાવવામાં આવ્યાં હતાં. તેઓએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં રોડનાં કામમાં ટ્રેકટરનાં ફેરા બાબતે બાકી નીકળતાં પૈસા બાબતે મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું.

કેશોદ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, કેશોદ તાલુકાના સરોડ ગામે રોડનાં ચાલતાં કામમાં મેટલ મોરમ નાંખવાના કામગીરી માટે તેમનું ટ્રેકટર ભાડે રાખવામાં આવેલું હતું. ટ્રેકટરનાં ફેરાનાં પૈસા માટે વારંવાર ઉઘરાણી કરતા માળીયા હાટીના તાલુકાના ધરમપુર ગામનાં ગોવિંદભાઈ દેવાભાઈ સોલંકી અને અરવિંદ,સતીષ તથા એક અજાણ્યો શખ્સ ફોર વ્હીલ કાર GJ-05-JQ-6399 લઈને પાડોદર ગામે રામશીભાઈના ખેતરે પહોંચી લોખંડનાં પાઈપ તથા ધોકાઓ સાથે હુમલો કર્યો હતો. ત્યારે રામશીભાઈ રાડારાડ કરતાં હુમલાખોરો ફોર વ્હીલ કાર મુકીને નાસી ગયા હતાં. કેશોદ પોલીસ દ્વારા ચાર શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(10:29 am IST)