સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

સિદસરનું ઉમિયા માતાજી મંદિર દર્શનાર્થે ખુલ્યું: પૂજા, આરતી, ધ્વજારોહણ, લગ્નપ્રસંગ સહીતના કાર્યક્રમો કરી શકાશે

સરકારની ગાઇડ લાઇન મુજબ કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ભાવિકો માટે ખુલ્લુ મુકાયુ

  રાજકોટ તા.૧૧ કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ સિદસરમાં સેંકડો ભાવિકો દર્શનાર્થે આવે છે. અને મા ઉમિયાની આરાધના તથા સેવા પૂજાનો લ્હાવો લે છે. ત્યારે હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે ફેલાયેલ મહામારીને ધ્યાનમાં રાખી લોકોના સ્વાસ્થયને હાની ન પહોચે તે હેતુને ધ્યાનમાં રાખી જનહીતમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટીઓ દ્વારા ઉમિયાધામ સિદસરને ભાવિકો માટે બંધ કરવાનું એલાન કરવામાં આવ્યુ હતુ.

 હાલ કોરોના વાયરસની મહામારી મહદ અંશે કાબુમાં આવતા સમગ્ર દેશમાં લોકડાઉનના નિયમો હળવા થતા જનજીવન પુનઃ ધબકતુ થઇ રહયુ છે ત્યારે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના ટ્રસ્ટીઓ દ્વારા ઉમિયાધામને તા. ૧૧ જુન એટલે કે આજથી ભાવિકો માટે દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે ઉમિયાધામ સિદસરના આંગણે પુજા, આરતી, ધ્વજારોહણ, લગ્નપ્રસંગ સહીતની પ્રવૃતીઓ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં શરૂ કરાઇ છે. ઉમિયાધામના દર્શનાર્થે આવતા ભાવિકોએ માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સ તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવો ફરજીયાત રહેશે તેમ ઉમિયાધામ સિદસર ના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી તથા મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે.

(11:41 am IST)