સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

વિંછીયા કોવિડ કેર સેન્ટરના સેવા કર્મી યુવાનોનું સન્માન

વિંછીયા તા.૧૧ : વિંછીયા કોવિડ કેર સેન્ટરમાં રાત દિવસ સેવા આપનાર વિંછીયાના સહયોગ ગૃપના સેવાકર્મી યુવાનોનું મોમેન્ટો આપી કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સન્માન કરાયુ હતુ.

કોરોના મહામારીની બીજી લહેરમાં તંત્ર દ્વારા વિંછીયામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરાયુ હતુ. જેમાં વિંછીયા આજુબાજુના તાલુકાના કોવીડના દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. આ તમામ દર્દીઓ અને તેમના સગાઓને વિવિધ દાતાઓના સહકારથી સવારે ચા નાસ્તો, નાળિયેર પાણી સહિત બંને ટાઇમ ભોજન સહિતની વ્યવસ્થા સહયોગ ગૃપના સર્વે યુવાનો દ્વારા પુરી પડાઇ હતી. જે બદલ આ તમામ યુવાનોનો બિરદાવવા આ ગૃપના યુવાનો અને આરોગ્યકર્મીઓને સેવા બદલ મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ.

અત્રે નોંધનીય રહે કે વિંછીયા કોવીડ કેર સેન્ટરમાં શરૂઆતથી જ આ વિસ્તારના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇના પુત્ર ડોકટર મનીષ બાવળિયાએ રાજકોટ પોતાનું દવાખાનુ બંધ રાખી પિતાના સેવાયજ્ઞમાં જોડાઇ વતન વિંછીયા વાસીઓની કોવીડ કેર સેન્ટરમાં સેવાની ધુણી ધખાવી ગરીબ દરિદ્ર નારાયણની છેલ્લો દર્દી સાજો ન થાય ત્યા સુધી સેવા સુશ્રુષા કરતા લોકોમાં સરાહના થઇ રહી છે. હાલ વિંછીયામાં કોવીડનો હાઉ ઓછો થતા લોકોમાં પણ હાશકારો થયો છે. તાલુકામાં દૂર દૂર સુધી કાળમુખા કોવીડના કોઇ અણસાર હાલ નથી જે સારી બાબત ગણી શકાય.

(11:56 am IST)