સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

સોમનાથ તીર્થધામમાં પ્રાચીન સૂર્ય મંદિરોનો ઉદય થશે

પીએમઓના આદેશથી ગુજરાત ટુરીઝમ વિભાગની ટીમે ૬ મંદિરોનું નિરીક્ષણ કર્યુઃ અન્ય ૬ મંદિરોના લોકેશન શોધાશે

રાજકોટ, તા. ૧૧ :. શ્રી સોમનાથ તીર્થધામમા આવેલા પ્રાચીન સૂર્ય મંદિરોનો ઉદય થશે. સોમનાથ પાલિકાના પ્રમુખે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ટ્વીટ કરીને આ અંગે યોગ્ય કરવાની માંગણી કરતા પીએમઓના આદેશથી ટીમોએ નિરીક્ષણ કર્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ તીર્થધામ સોમનાથમાં ૧૧ જેટલા પ્રાચીન સૂર્ય મંદિરો આવેલા છે ત્યારે સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ટ્વીટ કરીને સૂર્ય મંદિરોના વિકાસની વાત કરી હતી. ત્યાર બાદ પીએમઓ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો હતો જેથી રાજ્ય સરકારે ટુરીઝમ વિભાગની ટીમોએ ગઈકાલે વેરાવળ તીર્થધામ ખાતે સૂર્ય મંદિરોનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યાર બાદ આ અંગે રાજ્ય સરકારને રીપોર્ટ આપવામાં આવશે.

આ અંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અકિલાને જણાવ્યુ હતુ કે ગઈકાલે આ ટીમો નિરીક્ષણ માટે આવી હતી અને ત્યાર બાદ ગાંધીનગર રવાના થઈ હતી. હાલમાં સોમનાથ તીર્થધામમાં ૬ જેટલા સૂર્ય મંદિરો આવેલા છે. અન્ય ૬ મંદિરોનું લોકેશન શોધવાની કામગીરી ટુરીઝમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.(૨-૨૧)

(12:07 pm IST)