સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

રાજુલામાં ઉપવાસ આંદોલનમાં મોઢવાડિયા - ઠુંમરનું સમર્થન

ન્યાય આપવા માંગણી : પરેશ ધાનાણી પણ અંબરીશ ડેરના આંદોલનને ટેકો આપશે

સાવરકુંડલા : વિરજીભાઇ ઠુંમર અને અર્જુનભાઇ મોઢવાડિયા પૂર્વ પ્રદેશ પ્રમુખ - પ્રદેશ કોંગ્રેસ અગ્રણી, રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર રાજુલાના હિત માટે પોતાની જાનની પરવા કર્યા વિના સરકાર સામે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. તેમને ટેકો આપવા માટે ઉપવાસ છાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)(૨૧.૪૧)

રાજુલા તા. ૧૧ : રાજુલા શહેર મધ્યમાં રેલવેની ૪૨ હજાર ચો.મી. જમીન ઉપરની ગંદકી હટાવીને ત્યાં સુંદર બગીચો અને વોક લે બનાવવાનો કરાર રાજુલા નગરપાલિકા એ રેલ્વે સાથે કરેલ છે તેનો અમલ કરાવવા રાજુલાના યુવાન ધારાસભ્ય અંબરીશ ડેર આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે.આજે તેનો ચોથો દિવસ છે.

રાજુલાનો વિકાસ કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપના આગેવાનો તેમના સેવા યજ્ઞમાં હાડકા નાખીને રાક્ષસી વૃતિનો પરીચય આપી રહ્યા છે. શહેરની મધ્યમાં આવેલી રેલવેની ૪૨ હજાર ચો.મી. કરતા વધારે પડત જમીન ઉપર ગંદકીના થર જામતા રાજુલા વાસીઓ માટે માથાના દુખાવા રૂપ બની છે. ત્યારે આ ગંદકીની જગ્યાએ એ જમીન ઉપર સુંદર બગીચો બનાવવાની દરખાસ્ત રાજુલા નગર પાલીકાએ મુકી હતી. આ દરખાસ્તને રાજુલાના યુવાન ધારાસભ્ય અંબરીશ ડેરએ રેલવે સમક્ષ મુકી હતી.

રેલવેની જમીનમાં પેશકદમી ના થાય અને જમીનની જાળવણી થાય તે માટે રેલવેએ પણ આ જમીન માલીકીમાં ફેરફાર કર્યા વગર નગર પાલીકાને આપવા માટે કરાર કર્યો હતો. પરંતુ ભાજપના સ્થાનિક પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના સાંસદશ્રીને આ વાત પસંદ પડી નહી. એટલે તેમણે પોતાની સત્તાના બળે જમીનની સોપણી અટકાવી દીધી. એટલું જ નહી પરંતુ રાજુલાના મુખ્ય માર્ગને અવરોધતુ ખુલ્લું ફાટક પહોળુ કરવાના કામમાં પણ અડચણો ઉભી કરી. ભાજપના આગેવાનો જે કામ ૨૫ વર્ષમાં ના કરી શકયા તે કામ રાજુલાના યુવાન અને કાર્યદક્ષ ધારાસભ્ય શ્રી અંબરીશ અને કોંગ્રેસની નગરપાલીકા કરી રહી છે. તે વાત ભાજપના આગેવાનોને આંખમાં કણાની માફક ખુંચી રહી છે. એટલે તે સત્તાના બળે જનહિતના કામોમાં અડચણો ઉભી કરી રહ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસના આગેવાનો સામે નકલી કેસો દાખલ કરીને પોતાની જનવિરોધી માનસિકતાને પ્રગટ કરી રહ્યા છે. પરંતુ વિજય હમેંશા સત્ય અને જનતાનો થાય છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે પ્રજાના સહકારથી રાજુલાને સુંદર બનાવવાનું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થશે.

(1:05 pm IST)