સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

ભ્રષ્ટાચારની બૂ! ચોમાસાના એંધાણ વચ્ચે રોડના રીપેરીંગના નામે મરાતાં થિંગડા

ચોમાસુ નજીક હોય ત્યારે રોડ ઉપર ગાબડાના રીપેરીંગ કરવાથી વરસાદમાં ધોવાઈ જવાની ભીતિ

મોરબી : મોરબીમાં દર વર્ષે ચોમાસામાં માર્ગોની હાલત કપરી બની જતી હોય છે. જો કે, વરસાદ પડ્યા બાદ રોડ ઉપરના ખાડાઓનું રીપેરીંગ થાય તે યોગ્ય હોય છે. પણ ચોમાસું માથે તોળાતું હોય ત્યારે ખાડાના રીપેરીંગ કરવાનો કોઈ અર્થ નથી. આમ છતાં પણ તંત્રએ ચોમાસુ નજીક હોય ત્યારે રોડ પરના ગાબડાના રીપેરીંગ કામ હાથ ધર્યા છે. ત્યારે આ રોડ ઉપર મારેલા થિંગડા વરસાદમાં ટકશે કે કેમ તેની સામે પ્રશ્ન ઉભો થયો છે અને કોન્ટ્રકર – અધિકારીઓની મિલીભગતથી કમાઈ લેવા જ પેચવર્કના ખેલ શરૂ થયાનું જણાઈ રહ્યું છે.
મોરબીમાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હમણાંથી રોડ ઉપર પડેલા ગાબડાના રીપેરીંગ કામ શરૂ કર્યા છે. મોટાભાગે ચોમાસુ પૂર્ણ થઈ ગયા બાદ વરસાદમાં ધોવાયેલા માર્ગોનું પેચવર્ક કે રીસરફેસિંગ કરવાનું હોય છે. એના બદલે તંત્રએ ચોમાસું બેસવાની અણી ઉપર રોડ ઉપર રીસરફેસિંગના નામે થિંગડા મારવાનું શરૂ કર્યું છે. આથી, તંત્રની રીસરફેસિંગના નામે રોડ પર થિંગડા મારવાની કામગીરી હાસ્યાસ્પદ ઠરે તેવી સ્થિતિ સામે આવી છે. જેમાં હાલ ભળીયાદ રોડ ઉપર રીસરફેસિંગના નામે થિંગડા મારવામાં આવ્યા હતા.
જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ તંત્રની રીસરફેસિંગના નામે રોડ પર થિંગડા મારવાની કામગીરી જાજો સમય ટકશે નહિ. કારણ કે, ચોમાસુ એકદમ નજીક છે. ગમે ત્યારે વરસાદ પડે એવા સંજોગો છે. ત્યારે આ રોડ ઉપર મારેલા થિંગડા વરસાદમાં ધોવાઈ જવાની પૂરેપૂરી શકયતા છે. આથી, તંત્રએ હાલ આ રીસરફેસિંગના નામે કરેલી કામગીરીનો ખર્ચ પાણીમાં જશે. જો કે ચોમાસા પહેલા આવી અર્થ વગરની કામગીરી થતી હોય અને જ્યારે જરૂરત હોય એટલે ચોમાસામાં જ આવી કોઈ તસ્દી લેવાતી નથી. તેથી, લોકોને ખરાબ રોડથી ભારે મુસીબતો સહન કરવી પડે છે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કામગીરી કોન્ટ્રાક્ટર કેવી રીતે કરી રહ્યા છે. એની મને જાણ નથી એવો આશ્ચર્યજનક જવાબ આપી આ અંગે યોગ્ય તપાસ કરીને જરૂરી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

(7:16 pm IST)