સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

મોરબી જળ હોનારતની ૪૩મી વરસી : ગોઝારી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના સ્‍વજનોના આંખના ખૂણા થયા ભીના

(પ્રાિવણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : મોરબીની મચ્‍છુ જળ હોનારતની ઘટનાને આજે ૪૩ વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્‍યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે અને ૪૩ વર્ષ વીતી ગયા હોવા છત પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત અશ્રુઓના ઘોડાપુર ઉમટી આવેછે.

૧૧મી ઓગસ્‍ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્‍યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી ૪૩ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્‍છુ-૨ ડેમ તુટ્‍યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને ૧૧મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્‍છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે.ᅠ

જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્‍યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્‍યો નથી અને મચ્‍છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ફરી વળ્‍યું હોવાથી હજારોની સંખ્‍યામાં લોકો મચ્‍છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્‍ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જયાં નજર કરો ત્‍યાં લટકતી લાશો જ જોવા મળતી હતી.

મચ્‍છુ હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્‍થિતિનું નિર્માણ થયું હતું જેથી તે સમયે સરકાર દ્વારા તાત્‍કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્‍યા હતા અને જે તે સમયે તાત્‍કાલિક કેલાક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી અને નવા સ્‍ટાફને પહેલી જ જવબદારી શહેરના જુદાજુદા વિસ્‍તારોમાં પાણી કેટલા ભરાયેલા છે, કયા કયા મૃતદેહ પડ્‍યા છે વિગેરે સોપવામાં આવી હતી જે આજે પણ તેઓને યાદ છે અને તે દિવસનો નજરો આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે તો પણ ભૂલી શક્‍યા નથી.

અત્રે ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવ લાગ્‍યા હતા તેવામાં મચ્‍છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્‍કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્‍છુના પાણીમાં નજરો નજર પોતાના સ્‍વજનોને ડૂબતા જોયા હતા જેથી મચ્‍છુની આ ગોજારી હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે. જો કે, હનોરત સમયે ઘણા લોકો પોતાના જીવ જોખમમાં મુકીને શહેરના જુદાજુદા વિસ્‍તારમાં પાણીમાં ફસાયેલા ઘણા લોકોને પાણીની બહાર કાઢીને બચાવ્‍યા હતા

મોરબી શહેરમાં ૧૧મી ઓગસ્‍ટ ૧૯૭૯ના દિવસે બપોરના સમયે જળની સપાટી વધવા લાગી હતી જીવ બચાવવા માટે ક્‍યાં જવું? એ લોકો માટે મોટો સવાલ હતો કેમ કે, ભારે વરસાદના કારણે પલળી ગયેલા મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્‍યા હતા જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્‍યા છે નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું ત્‍યારે હોનારતના કારણે મોરબી શહેર ટાપુ સામન બની ગયેલ હતું અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્‍યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્‍થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવતા હતા તો બીજી બાજુ તે સમયે ચોરી લુંટફાટ કરવા માટે જુદાજુદા વિસ્‍તારોમાંથી ગેંગો આવવા લાગી હતી જેની ફરિયાદો અધિકારીને મળવા લગતા ત્‍યારે બહારથી શહેરની અંદર આવતા અને શહેરમાંથી બહાર જતા લોકોને ચેક કરવામાં આવતા હતા.

મચ્‍છુ જળ હોનારતથી મોરબી શહેર ઉપરાંત મોરબી-માળીયા તાલુકાનાં ૬૮ ગામડાઓની ૧,પ૩,૦૦૦ની વસતિને ભારે અસર થઇ હતી અને હજારો લોકો ઘર બેઘર થઇ ગયા હતા કોઈની પાસે ખાવા માટે કે ધંધા રોજગાર માટે કશું જ હતું નહિ ભયાનક હોનારતના કારણે સર્વસ્‍વ ગુમાવી દેનારા મોરબીવાસીઓની આંખોમાં આંસુ સિવાય કશું જ જોવા મળતું ન હતું તેવા સમયે દેશ વિદેશથી જુદીજુદી સંસ્‍થાઓ દ્વારા મોટા પ્રમાણમાં મોરબીને સહાય કરવામાં આવી હતી ઘડિયા, તળિયા અને નળિયાના નગર તરીકે દેશ અને વિદેશમાં જાણીતા થયેલા શહેર મોરબીએ અત્‍યાર સુધીમાં ત્રણ કુદરતી થાપટો ખાધી છે

દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે ૪૩ વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી કેમ કે, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે ત્‍યારે દિવંગત આત્‍માઓને શ્રદ્ધાંજલી આપવા માટે આજે પાલિકા દ્વારા મોરબીમાં મૌન રેલી કાઢીને દિવંગતોની ખાંભીએ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

(11:05 am IST)