સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th October 2021

કુતિયાણા ભાદર નદીમાં બે પિતરાઇ તણાયાઃએકનો મૃતદેહ મળ્યો

એક જ મુસ્લીમ સેતા જ્ઞાતિના ૪ યુવાનો ગઇકાલે બપોરે ન્હાવા ગયેલ : એક કિનારે બેસેલ : એકનો બચાવ : હિન્દુ-મુસ્લિમ સમાજ નદીએ ઉમટી પડ્યો : નાના એવા ગામમાં હાહાકાર : એનડીઆરએફની ટુકડીની જહેમતથી ભત્રીજા મહેસર સેતાનો મૃતદેહ

(નલીયા છુછીયા દ્વારા) કુતિયાણા, તા., ૧૧: ઉપરવાસમાંથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા કુતિયાણા પાસે ભાદર નદીમાં પુર આવતા પાણીમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનોમાંથી એકનો બચાવ થયો હતા જયારે બે પિતરાઇ ભાઇ નદીના પાણીમાં તણાતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં એક ભાઇનો મૃતદેહ આજે સવારે મળ્યો હતો જયારે બીજા ભાઇની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નદીમાં નહાવા પડેલા અખ્તર રસીદભાઇ સેતા (ઉ.વ.રર) અને તેના સગા કાકાનો પુત્ર મહેસર અમદુભાઇ સેતા (ઉ.વ.ર૦) તણાય જતા લાપત્તા બનેલ છે. તેમની સાથે ન્હાવા પડેલ. અન્ય એક યુવાન રીયાઝ અમીનભાઇ સેતા (ઉ.વ.રર)નો બચાવ થયો છે. દરમિયાન આજે સવારે મહેસર અમદુભાઇ સેતાનો મૃતદેહ ભાદર નદી કાંઠે એન.ડી.આર. ટુકડીએ શોધી કાઢયો હતો.

ગઇકાલે ધોરાજી ભુખી-ર ડેમમાંથી ઉપરવાસથી ભારે વરસાદને કારણે પાણી લેવલ વધી જતા આ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા કુતીયાણા પાસે પસાર થતી ભાદર નદીમાં પુર આવેલ અને તેવા સમયે ગઇકાલે બપોરે નદીમાં તરતા નહી આવડતુ હોવા છતા ધુબાકા મારનાર અખ્તર રસીદભાઇ સેતા (ઉ.વ.રર)  અને તેના કાકાનો પુત્ર મહેસર અમદુભાઇ સેતા (ઉ.વ.ર૦) બન્ને પુરમાં તણાય જતા લાપત્તા બનેલ અને તેની સાથે ન્હાવા પડેલ અન્ય એક યુવાન બચી ગયેલ છે. દરમિયાન એનડીઆરએફ દ્વારા ચાલી રહેલ શોધખોળ દરમિયાન મહેસર અમદુભાઇ સેતાનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. અને પોસ્ટમોર્ટમ માટે પોરબંદર લઇ જવાય છે. તણાય ગયેલા બન્ને યુવાનો, કુતિયાણામાં દુકાનો ધરાવે છે.

ભાદર નદીમાં ત્રણેય યુવાનો પુરના પાણીમાં તણાય ગયાની જાણ થતા ગઇકાલે બપોરે એન.ડી.આર. એફની ટુકડીઓ ચુનંદા તરવૈયાઓ સાથે દોડી આવી એક યુવાનને બચાવી લીધો હતો. પરંતુ અખ્તર રસીદભાઇ સેતા મળ્યા નહોતા તેની શોધખોળઆજે પણ ચાલુ છે.

તણાય ગયેલા એક યુવાનોની શોધખોળ એનડીઆરએફની ટુકડીએ નજીકના પસવારી ગામના નદીકાંઠા સુધી તપાસ કરી હતી.

દરમિયાન વધુમાં જાણવા મળ્યા મુજબ અખ્તર રઝા રશીદભાઇ સેતા બે ભાઇઓમાં નાનો છે અને બટેટા ડુંગળીનો વેપાર કરે છે. જયારે મહેસર રઝા રશીદભાઇના ભાઇ અમદુભાઇનો પુત્ર છે અને તે પણ વેપાર કરે છે. જયારે તેની સાથે રહેલા બે યુવાનો પણ સેતા જ્ઞાતિના જ હતા અને ચારેય યુવાનો રવીવારે બપોરે ભાદરનદીએ ન્હાવા ગયેલ ત્યારે એક યુવાન કિનારે બેસી રહેલ અને ત્રણ ન્હાવા પડેલ. જેમાં પાણી વધુ હોઇ ડુબવા લાગતા એક યુવાને બચાવ કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા હિન્દુ-મુસ્લીમ સમાજ નદીએ ઉમટી પડયો હતો અને આ ઘટનાથી હાહાકાર નાના એવા ગામમાં મચી ગયો છે.

ભાદર નદીમાં ન્હાવા પડેલ ત્રણ યુવાનો પૈકીના રીયાઝ અમીનભાઇ સેતા (ઉ.રર)ને એનડીઆરએફની ટુકડીએ હેમખેમ બચાવી લીધેલ છે. ન્હાવા પડેલા ત્રણેય યુવાનો કુંવારા છે.  તણાય ગયેલ અખતર રસીદભાઇ  સેતા તેમના પિતા રસીદભાઇ સાથે ડુંગળી-બટાટાનો વેપાર કરે છે. મહેસર અમદુભાઇ સેતાને પોતાની કટલેરીની દુકાન છે. જેના મૃતદેહ મળી આવેલ છે. ત્રણેય યુવાનો એકબીજાના જ્ઞાતિબંધુ થાય છે. 

(3:03 pm IST)