સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

ગોંડલમાં બે દિ'માં ૮ના મોત : કચ્‍છમાં ૧૦ નો ભોગ લેવાયો : ભુજના ધાણેટી પંથકમાં ૬૦ સહિત કચ્‍છમાં કોરોનાની બેકાબૂ ગતિ : જસદણમાં પદાધિકારીઓ સહિત ૪૪ ઝપટમાં : વડીયાના ખાંટવા દેવળી ગામે રાફડો ફાટયો

પાનની દુકાન ધરાવતા ઠુમર દંપતિને એક દિ'ના અંતરે કોરોના ભરખી ગયો : વડિયાના ગ્રામજનો બસ ભરીને યાત્રાએ ગયા બાદ સંક્રમિત થયા : કચ્‍છમાં વધુ ૫૩ કેસ સતાવાર મૃત્‍યુઆંક એક : માણાવદરમાં કોરોનાના કારણે ૨૫ થી ૨૮ના મૃત્‍યુ થયાની ચર્ચા : ભાવનગરમાં ૯૭ કેસ નોંધાયા

રાજકોટ,તાફ ૧૨: સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં બેકાબૂ ગતિએ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યુ છે. અને દરરોજ મૃત્‍યુઆંક વધી રહ્યો હોય પરિસ્‍થિતી વણસી ગઇ છે. લોકો અસમંજસ સ્‍થિતીમાં આપી ગય છે જે અહેવાલો અહીં રજુ છે.

પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

ગોંડલ : શહેર પંથકમાં કોરોના જેટ ગતિએ આગળ વધવાની સાથે માનવ જિંદગી પણ ટપોટપ હોમાઈ રહી છે શુક્રવારના ત્રણ વ્‍યક્‍તિઓના મોત બાદ શનિ અને રવિ માં પણ કોરોના થી છ વ્‍યક્‍તિના મોત નિપજતા શહેર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે.

શ્રી મુક્‍તેશ્વર સેવા ટ્રસ્‍ટ સંચાલિત સ્‍મશાન ગૃહ ખાતે શનિ અને રવિવારના કોરોના થી મૃત્‍યુ પામેલા સ્‍વજનના અંતિમ સંસ્‍કાર માટે પરિવારજનો સરકારી  ગાઇડલાઇન મુજબ મર્યાદિત સંખ્‍યામાં પહોંચ્‍યા હતા તારીખ ૧૦ શનિવાર ના ધનીબેન મલાભાઇ પરમાર (ઉમર વર્ષ ૫૮) રહે ભગવતપરા, પરસોત્તમભાઈ ભાણાભાઈ વેકરીયા ઉ.વ. ૮૪, રહે બાંદ્રા ગામ, બાબુભાઈ વાલજીભાઈ જાડેજા ઉ.વ. ૮૫ રહે ભવનાથ- ૨, દક્ષાબેન કિશોરભાઈ ચાવડીયા ઉ.વ. ૪૩, રહે ચરખડી અને તારીખ ૧૧ રવિવારના નર્મદાબેન નૈનસુખભાઈ કથિરીયા ઉંમર વર્ષ ૬૫, રહે ચરખડી તેમજ નર્મદાબેન નટવરલાલ ખંભાયતા ઉંમર વર્ષ ૭૬ રહે ભવનાથ ૨ વાળાઓ ના નિધન થતા અંતિમ વિધિ કરવામાં આવી હતી.

જયારે શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્‍કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જીતેન્‍દ્રભાઈ જેરામભાઇ ઠુંમર ઉંમર વર્ષ ૪૫ અને તેમના પત્‍ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયેલા હોય સરકારી-ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર લીધી હતી પરંતુ તબિયતમાં સુધારો થતા જામનગર સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જયાં પ્રથમ શનિવારના વસંતબેન નું નિધન થયું હતું અને જીતેન્‍દ્રભાઇ નું રવિવારના નિધન થતા પુત્ર -પુત્રી એ માતાપિતા ની છત્રછાયા ગુમાવતા ઠુંમર પરિવાર શોકમગ્ન બન્‍યો હતો.

ગાંધીધામ ૫, ભચાઉ પંથકમાં ૪ મોત

ભુજ : કોરોના સામે લડવા માટે સરકાર સજજ હોવાના દાવા સામે કચ્‍છ જેવા છેવાડાના જિલ્લામાં કોરોનાના કોહરામ વચ્‍ચે આરોગ્‍ય સેવા ઊણી ઊતરી રહી છે. જોકે, ચિંતાજનક વાત છુપાવતા આંકડાઓની પણ છે. સરકારી આંકડા પ્રમાણે કચ્‍છમાં વધુ ૫૩ દર્દીઓ અને ૩૮૩ એક્‍ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, અત્‍યાર સુધીના સરકારી રેકર્ડ પ્રમાણે આ આંકડો ઊંચો છે. પણ, બિન સત્તાવાર રીતે મૃત્‍યુ આંક તેમ જ પોઝિટિવ દર્દીઓનો આંકડો સરકારી રેકર્ડ કરતાંયે ઊંચો છે. ગાંધીધામમાં આરોગ્‍ય સેવા પાંગળી બનતાં ૯ દર્દીઓને ભુજ ખસેડવાની નોબત આવી હતી. જે પૈકી ૫ દર્દીઓના મોત નીપજયા હતા. જયારે ભચાઉના જંગી ગામે એક જ પરિવારના ૩ સભ્‍યોના મોત, સામખિયાળી માં ૧ મોત, ભુજના નાડાપા ગામે ૧ મોત સાથે કોરોનાનો ખોપ બેકાબૂ બન્‍યો છે. પોઝિટિવ દર્દીઓ ગ્રામીણ વિસ્‍તારોમાં વધી રહ્યા છે. ભચાઉ ના લાકડીયા સામખિયાળી પછી ભુજના ધાણેટી પંથકમાં ૭૦ જેટલા કોરોના કેસ હોવાની ચર્ચા છે. તો, છેવાડાના લખપત તાલુકાના મુખ્‍ય મથક દયાપર ગામે આરોગ્‍ય કેન્‍દ્રના તબીબ દંપતી પણ કોરોનાગ્રસ્‍ત થયા છે.

જસદણ પાલિકા પૂર્વ પ્રમુખ જી.પં.બાંધકામ  સમિતિના પૂર્વ ચેરમેન પોઝીટીવ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)જસદણ  : પંથકમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે વધતા જાય છે. કાલે વધુ ૪૪ કેસ આવ્‍યા હતા. જસદણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મધુબેન ભીખાભાઈ રોકડ, તેમના પતિ અને રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભીખાભાઈ નાથાભાઈ રોકડ તેમજ તેમની પુત્ર ગોપાલભાઈ, પુત્રવધુ કિંજલબેન સહિત સમગ્ર પરિવાર કોરોનાગ્રસ્‍ત બન્‍યો હતો. જસદણની સિવિલ હોસ્‍પિટલ અને ખાનગી કોવિડ હોસ્‍પિટલ ફુલ થઈ ગઈ છે. છેલ્લા છ દિવસ દરમિયાન જસદણમાં ૩૬૨ થી વધારે કેસ નોંધાયા છે જે પૈકી ૨૪ લોકો જસદણ સિવિલમાં, ૧૦ દર્દી ખાનગીમાં અને પાંચ રાજકોટ હોસ્‍પિટલમાં અને ૪૮૯ લોકો હોમ કોરોન્‍ટઇલ છે. જસદણમાં સિવિલમાં ગઇકાલે સવારે એક કોરોના દર્દીનું મોત નિપજયું હતું. અગ્રણી મેહુલભાઈ સંઘવીની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને રજૂઆત બાદ વીરનગર ખાતે ઓક્‍સિજન સુવિધા સાથેની કોવીદ હોસ્‍પિટલ મંજૂર થઈ છે. બીજી બાજુ જસદણ પંથકમાં કેસ વધતા જસદણ ઉપરાંત ભડલા, કમળાપુર, આટકોટ, વિંછીયા સહિતના ગામડાઓમાં સમય મર્યાદા સાથે સ્‍વૈચ્‍છિક લોક ડાઉન નક્કી કરવામાં આવ્‍યું છે.

વડિયાના તંત્રના ચોપડે ફકત ૩ કેસ જ્‍યારે પૂર્વ સરપંચના ૨૫ થી ૧૫૦ વચ્‍ચે મોત હોવાની વાત

વડિયા : સમગ્ર દેશમાં કોરોના મહામારી એ માજા મૂકી છે ત્‍યારે કોરોના સંક્રમણ બુલેટટ્રેન ની ગતિએ વધતુ હોય તેવી લોકોના મુખે ચર્ચા જોવા મળી રહી છે. ત્‍યારે લોકમુખે ચર્ચાતી વાતો માં તંત્ર ના આંકડા અને વાસ્‍તવિક આંકડા સાવ જુદા જ સામે આવી રહ્યા છે. આ બાબતે વડિયા ની ભાગોળે આવેલા બાટવાદેવળી ગામે થોડા સમય પેહલા એક બસ ધાર્મિક જાત્રા માટે વિવિધ સ્‍થળો એ ગઈ હતી આ બસ પરત આવતા તેમના ૨૫થી વધુ લોકો સંક્રમિત હોવાની વાત વાયુ વેગે સમગ્ર વિસ્‍તાર ફેલાઈ હતી. જોકે આરોગ્‍ય વિભાગ આ બાબતે મૌન સેવ્‍યું હતુ. હાલ કોરોના બાબતે રિયાલિટી ચેક કરતા ગામના એક વ્‍યક્‍તિ નુ અમરેલી સિવિલ હોસ્‍પિટલ માં મૃત્‍યુ થતા ત્‍યાંના પૂર્વ સરપંચ નો સંપર્ક કરતા તેમના માટે બાટવા દેવળી ગામમાં ૧૨૫ થી ૧૫૦ આસપાસ કોરોના સંક્રમિત લોકો ની સંખ્‍યાહોઈ શકે . ૧૮૦૦ની વસ્‍તી ધરાવતા નાનકડા ગામમાં આવડું મોટુ સંક્રમણ હોવા છતાં તંત્ર ફક્‍ત ત્રણ (૩) લોકો જ સંક્રમિત હોવાનું જણાવે છે. આ ઉપરાંત છેલ્લા અઠવાડિયા માં આ જ ગામમાં છ (૬) લોકો કોરોના ના કારણે મૃત્‍યુ પામ્‍યા નુ લોકો જણાવે છે જયારે તંત્ર ના મતે ત્રણ (૩) અને ત્રણ કુદરતી મૃત્‍યુ બતાવવા માં આવ્‍યા છે. આજના દિવસે પણ પૂર્વ સરપંચના મતે ૧૬ સોળ લોકો હાલ પણ હોમ કોરન્‍ટાઇલ જોવા મળે છે. આ ઉપરાંત બીજા કેટલાય લોકો રાજકોટ, જૂનાગઢ જેવા શહેરો ની હોસ્‍પિટલોમાં દાખલ છે. ત્‍યારે તંત્રની માહિતી અને ગામના લોકોની રિયાલિટી કંઈક અલગ સામે આવતા વાસ્‍તવ માં કોરોના સંક્ર્‌મણ અને તેનાથી થતા મૃત્‍યુના આંકડાની માયાજાળમાં કંઈક ગોલમાલ હોય તેવું સામે આવી રહ્યુ છે.

 આતો એક ગામની જ રિયાલિટી છે સમગ્ર અમરેલી જીલ્લા અને ગુજરાત માં આવી પરિસ્‍થિતિ હોય તો કોરોના સંક્રમણ અને તેનાથી થતા મૃત્‍યુના આંકડા સમગ્ર ગુજરાત અને તંત્ર ને હચમચાવી શકે છે. વાસ્‍તવમાં ઉભરાતી જોવા મળતી હોસ્‍પિટલોમાં દર્દીઓની સંખ્‍યા અને સ્‍મશાનમાં લગતી લાઈનો પરથી સંક્રમીત લોકોની સંખ્‍યા અને મૃત્‍યુ નો દર બુલેટ ટ્રેન ની ગતિએ વધતો હોય તેમાં કોઈ શંકા ને સ્‍થાન નથી ત્‍યારે આવા બાટવા દેવળી જેવા ગામની આવી ખરાબ સ્‍થિતિ બાબતે તંત્ર એ જાગી ને ઘર ઘર જઈ લોકો ના ટેસ્‍ટ કરવા જરૂરિ છે. નહિતર આવનારા દિવસો આ સંક્ર્‌મણ સમગ્ર ગામને બાન માં લેશે અને અનેક લોકો મોત ના મુખ માં ધકેલાઈ શકે છે. તો આ બાબતે તંત્ર ની સઘન કામગીરી થાય તેવું ગામ લોકો પણ ઈચ્‍છી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં ૮૦૯ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર :  જિલ્લામા વધુ ૯૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્‍યા ૭,૮૦૯ થવા પામી છે. જેમા શહેરી વિસ્‍તારમાં ૪૧ પુરૂષ અને ૨૭સ્ત્રી મળી કુલ ૬૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં મહુવા ખાતે ૩, તળાજા તાલુકાનાં ઝાંઝમેર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે ૨, ઉમરાળા ખાતે ૧, સિહોર ખાતે ૫, તળાજા તાલુકાનાં પીપરલા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં કાળાતળાવ ગામ ખાતે ૨, તળાજા ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઘરવાળા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ખાટડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના ત્રબક ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્‍તારમા ૩૪ અને તાલુકાઓમાં ૧૪ કેસ મળી કુલ ૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૭,૮૦૯ કેસ પૈકી હાલ ૮૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૭૬ દર્દીઓના અવસાન થયેલ છે.

માણાવદરમાં સાચા આંકડા ચોંકાવનારા

માણાવદર : શહેરમાં છેલ્લા અનેક દિવસોથી કોરોના કેસોએ હાહાકર મચાવી દીધો છે. ૧ વર્ષથી કોરોનાના કારણે સમગ્ર અર્થતંત્ર ભાંગીને ભૂકો થયો છે. લોકોની આવક નથી તેમાં કેસના કારણે ભય છે. બીજી બાજુ શહેરમાં ૫૫ ગામો વચ્‍ચે લાખો નાગરીકોની વસતી વચ્‍ચે  એક પણ કોવિડ કેર સેન્‍ટર જ નથી એક બાજુ આર્થિક સ્‍થિતી નબળી બેરોજગારી વચ્‍ચે શહેરમાં તો સુવિધા નથી ઓકિસજન બાટલા નથી કોરોનાના ઇન્‍જેકશન સામાન્‍ય દવા છે તે તત્‍કાલ બીથ શહેરમાં રીફર કરવા પડે જે શહેરથી જૂનાગઢ ૪૦ કિ.મી. રાજકોટ ૧૫૦ કિ.મી એમ પહોંચે તે પહેલા મૃત્‍યુનો ભય સતાવે આવી સ્‍થિતી વચ્‍ચે શહેરમાં કેબીનેટ મીનીસ્‍ટરના શહેરમાં કોવિડ કેર સેન્‍ટર મળવુ જોઇએ. પરંતુ સુવિધા નથી.

એક અંદાજ મુજબ એક અઠવાડિયામાં ૨૫ થી ૨૮ વ્‍યકિતના મૃત્‍યુ થયાની લોક ચર્ચા છે. જેની વાસ્‍તવિક તપાસ થવી ઘટે.

(11:19 am IST)