સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

કોરોના વધતા સૌરાષ્ટ્ર-કચ્છના ધર્મસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન બંધ

ઘેલા સોમનાથ, બગદાણા, સીદસર ઉમીયા માતાજી મંદિર, માતાના મઢ સહીતના ધાર્મિક સ્થાનોમાં ઓનલાઇન દર્શન થઇ શકશે

રાજકોટ, તા., ૧૨: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન બંધ કરવામાં આવ્યા છે. ભાવીકો માત્ર ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકશે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ હાલમાં કોરોના મહામારીને ધ્યાને લઇ કેસોની સંખ્યા ખુબ પ્રમાણમાં વધી રહી છે. જેથી શ્રી ઘેલા સોમનાથ મંદિર તા.૧૧-૪-ર૦ર૧ થી તા.૩૦-૪-ર૦ર૧ સુધી દર્શનાર્થી માટે સદંતર મંદિર બંધ રાખવામાં આવેલ છે.

વીરપુર (જલારામ)

(કિશન મોરબીયા દ્વારા)વીરપુર જલારામ : પૂજય જલારામબાપાના પરીવારજનો દ્વારા જલારામ ભકતોને કોરોના મહામારીમાં વિરપુર ન આવવા અને પોતાના ઘરે રહીને જ પૂજય જલારામ બાપાની પૂજા અર્ચના કરવા અપીલ.

સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી ઘાતક લહેર ફેલાઈ છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં તંત્રએ સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરી કરી છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતના યાત્રાધામો-મંદિરો વગેરે જાહેર સ્થળો તેમજ શહેરો અને ગામડાઓએ પણ સ્વૈચ્છિક લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનું જગવિખ્યાત સુપ્રસિદ્ઘ યાત્રાધામ વિરપુર કે જયાં પૂજય જલારામબાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર તારીખ ૧૧/૪/૨૧ થી તા. ૩૦/૪/૨૧ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જલારામ બાપાનું યાત્રાધામ વિરપુર જલારામબાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ માટે ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. યાત્રાધામમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ જેમને લઈને વિશ્વ વિખ્યાત પૂજય જલારામ બાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર બંને ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે ત્યારે વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને પૂજય શ્રી જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજય રઘુરામબાપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ પૂજય ગાદીપતિ રઘુરામબાપાએ હોળી ધુળેટીના તહેવારો ઉપર પણ પૂજય જલારામ બાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી.પૂજય જલારામ બાપાના પરિવારજનોએ જલારામ ભકતોને પોતાના ઘરે જ પૂજય જલારામબાપાની ભકિત કરવા અને આ કોરોના મહામારીમાં વિરપુર ન આવવા અપીલ કરી છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃ  કચ્છમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે માતાના મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. માતાના મઢ મંદિરના દ્વારા રવિવારે માતાના મઢ મંદિરના ગાદીપતિ રાજાબાવા યોગેન્દ્રસિંહજીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આવતીકાલ ૧૨/૪થી ચોક્કસ મુદ્દત સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. દરમ્યાન ગઇકાલે લખપત તાલુકા મામલતદાર એ.એન. સોલંકીએ નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરનાં મહંત સાથે કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરી હતી. જેને લઈને નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષા સોનલલાલજી મહારાજ અને કોટેશ્વર મંદિરના ગાદીપતિ દિનેશગિરિજી મહારાજે દર્શનાર્થીઓ માટે આજથી અચોકકસ મુદ્દત માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે,બંધ દરમ્યાન આ ત્રણેય મંદિરોમાં નિયમિત પૂજાવિધિઓ ચાલુ રહેશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : વર્તમાનની કોવિડ ૧૯ સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રસિદ્ઘ તીર્થ સ્થળ ગુરૂઆશ્રમ બગદાણાધામ ખાતે તમામ વિભાગો બંધ રાખવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ તારીખ ૧૩/૪/ ૨૦૨૧ને મંગળવારના વહેલી સવારથી અન્ય નિર્ણય ન થાય ત્યાં સુધી બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા મંદિરના દર્શન વિભાગ, ભોજનશાળા તેમજ ધર્મશાળા સહિતના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવે છે.

શ્રી બજરંગદાસ જી સીતારામ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌને અપીલ પણ કરવામાં આવી છે કે બિનજરૂરી બહારના નીકળવું, સામાજિક અંતર રાખવું , માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો તેમજ વારંવાર હાથને સાબુથી ધોતા રહેવું અને સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તા.૨૦ માર્ચ ૨૦૨૦ થી તા. ૨૫/૧૦ /૨૦૨૦ (દશેરા) સુધી એમ સતત સાત મહિના સુધી ગુરૂઆશ્રમ બંધ પાળવામાં આવ્યું હતું.

હાલની કોરોનાની પરિસ્થિતિને લઈ ને શ્રી માંગલ ધામ ભગુડા તારીખ ૧૩/ ૪/૨૦૨૧ મંગળવારના વહેલી સવારથી અચોક્કસ મુદત માટે દર્શન વિભાગ, ભોજનશાળા, ધર્મશાળા, સહિતના તમામ વિભાગો બંધ રહેશે જેની તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓએ નોંધ લેવા વિનંતી છે. તેમ જય માંગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા તા.(મહુવા) દ્વારા જણાવાયું છે.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર : સીદસર ખાતે આવેલ સુપ્રસિદ્ઘ ઉમિયામાતાજીનું મંદિર આવતીકાલ થી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

જામજોધપુર નજીક સીદસર ખાતે આવેલ સુપ્રસિદ્ઘ ઉમિયાધામ મંદિર કોરોનાના વધતાં જતાં કેસને ધ્યાને લઈ તા.૧૨/૪/૨૧ થી ૩૦/૪/૨૦૨૧ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન વ્યવસ્થા તેમજ તમામ પ્રવૃતિઓ બંધ રાખવામાં આવશે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : કોરોના કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે ત્યારે સજનપર ગામ નજીક આવેલ શ્રી નાના જડેશ્વર મંદિર આગામી તા. ૩૦ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોરોના સંક્રમણ વધતા નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) તા. ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે જેની દર્શનાર્થે આવતા તમામ ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા યાદીમાં જણાવ્યું છે.

(11:59 am IST)