સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

વાંકાનેરમાં કોરોનાથી વધુ ૧૧ દર્દીઓએ દમ તોડયો

૧૯ જેટલા પોઝિટિવ દર્દીઓ વાંકાનેરની હોસ્પિટલમાં સારવારમાં : તંત્રમાં દોડધામ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૨ : વાંકાનેર અને તાલુકામાં કોરોના વાયરસ તથા શરદી - ઉધરસ - તાવ અને ઝાડા - ઉલ્ટીના વાયરસે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર બીમારીએ લોકોને બાનમાં લીધા છે ત્યારે સરકારી હોસ્પિટલ જિલ્લા પંચાયત મોરબી (વાંકાનેર)માં આજે સવારે ૭.૩૦ કલાકે ૧૯ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવારમાં છે. રાત્રે એક દર્દીએ દમ તોડતા ગઇકાલે નવ અને કુલ ૧૧ દર્દીના મોત થયા છે.

જેમાં બે નિવૃત્ત શિક્ષકો એક જીનપરા તથા રામચોકમાં તથા જીનપરાના નિવૃત્ત શિક્ષકના ભાઇ તેમજ ભાટીયા સોસાયટીમાં ૩ને તથા રાજાવડલાના બે માલધારીઓના મોત થયા છે અને એક પ્રાઇવેટમાં ગંભીર હાલતમાં દાખલ છે. મોડી રાત્રે એક સરકારી હોસ્પિટલમાં ગંભીર દર્દીને રીફર કરેલ છે. જ્યારે વાંકાનેરની માહી હોસ્પિટલ, કુંજ હોસ્પિટલ, પીર મશાયલ હોસ્પિટલ, ડોકટર ધરોડિયા તથા ડો. મશાકપુતરા અને મોનશાહ હોસ્પિટલ અને બીજી શ્રીજી હોસ્પિટલ સહિતના દવાખાનાઓમાં દર્દીઓ કિડીની જેમ ઉભરાય રહ્યા છે અને વાંકાનેરની અનેક લેબોરેટરીમાં પોતાના શરીરના ચેકઅપ માટે તડકામાં ઉભા રહીને લાઇનો લગાવી રહ્યા છે.

પ્રાઇવેટ હોસ્પિટલોને કોરોનાના કારણે તાડા લાગી ગયા છે. તો ગ્રામ્ય વિસ્તારના અમરસર, પીપળીયા રાજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ ભરડો લેતા લોકોની દોડધામ મચી રહી છે. વાંકાનેરની અનેક સામાજીક સંસ્થાઓએ ઓકિસજન  વ્યવસ્થા કરેલ છે.

પરંતુ હોબાળા પછી રેમડેસિવિરના ઇન્જેકશનો વાંકાનેરમાં મળતા નથી જેના કારણે પણ અનેક દર્દીઓના મોત થયાનું જાણવા મળે છે. વાંકાનેર અને ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ ગંભીર હોય રાજ્ય સરકારે તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી લોકોના જીવ બચાવવા ઘટતા પગલા ભરવા જોઇએ.

પાલિકા કચેરી, મામલતદાર કચેરી કોરોનાના કારણે બંધ છે.

(12:21 pm IST)