સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

મોરબીમાં કર્ફયુ ભંગ કરનારા ૩૨ બાઇક ચાલક અને ૨ કાર ચાલક સામે કાર્યવાહી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આજે રવિવારે રાત્રે ૮ વાગ્યા બાદ શહેરના ચોકે-ચોકે પોલીસ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. વારંવારની સૂચનાઓ, અપીલો અને વિનવણીઓ છતાં સરેઆમ કફર્યૂભંગ કરતા અને આંટાફેરા કરવા નીકળી પડેલા વાહનચાલકો સામે રવિવારે સખ્ત હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ નજીક મોરબી જિલ્લા એસ.પી.ઓડેદરા (સુપ્રિન્ટેન્ડ ઓફ પોલીસ) ખુદ પહોંચ્યા હતા. જયાં ડી.વાય. એસ.પી. પઠાણ, બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ સહિતના સ્ટાફે સમાજના વેરી એવા ૩૨ જેટલા બાઈકચાલકો અને ૨ કારચાલકોને કફર્યૂભંગ બદલ ઝડપી પાડયાં હતા. આ તમામના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને કફર્યૂભંગના કેસો કરવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસે આગામી સમયમાં પણ આ રીતે જ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. લોકોને ખાસ અને ઇમરજન્સી કામ વગર રાત્રે ૮ વાગ્યા બાદ બહાર ન નીકળવા માટે એસ.પી. સહિતના અધિકારીઓએ ફરી એકવાર લોકોને અપીલ કરી વ્યવસ્થામાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

(1:07 pm IST)