સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

કોરોના દર્દી કરતા તેના સ્વજનોની હાલત દયાજનક આમરણના વેપારીને છેક પાલનપુરમાં જગ્યા મળી!!

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૧ર :.. તંત્રની લાપરવાહીને કારણે કોરોના સંક્રમિત દર્દીઓથી વિશેષ તેમના સ્વજનો દર્દનાક સ્થિતિમાંથી હાલ પસાર થઇ રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

આમરણના ચેતનભાઇ વિઠલદાસ કાનાબાર (ઉ.૪૭) નામના વેપારીની કોરોના પોઝીટીવ રિપોર્ટ બાદ તબીયત લથડતા મોરબી-જામનગર-રાજકોટ સરકારી હોસ્પિટલમાં જગ્યા નહિં મળતા આખરે સેંકડો કિ. મી. દુર પાલનપુર ખાતેની એક ખાનગી હોસ્પિ.માં જગ્યા મળતા ગત તા. ૬ ના રોજ ત્યાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં રેમડેસીવર ઇન્જેકશનની જરૂરીયાત ઉભી થતા ૬ ઇન્જેકશનના કોર્ષ પૈકી ૪ ઇંન્જેકશન મહામહેનતે પ્રાપ્ત થયા બાદ છેલ્લા ત્રણ દિવસથી બાકીના ર ઇન્જેકશન માટે તેમના ભાઇઓ સહિત સ્વજનો રાત-દિવસ દોડાદોડી કરી રહ્યા છે પરંતુ હજુ સુધી મેળ નહીં પડતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થયા છે.

જીનમરણ વચ્ચે ઝોલા ખાતા ભાઇની જિંદગી બચાવવા ભાઇઓ રડતી આંખે દર દર ભટકી રહ્યા છે. દર્દીના મોટાભાઇ રમેશભાઇ તથા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, સરકારે જાહેરાત કરેલી છે કે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રેમડેસીવર ઇન્જેકશનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ દર દર ભટકવા છતાં એક પણ ઇન્જેકશન મળતું નથી. દર્દીને બચાવવા તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે હવે ભગવાન ભરોસે હિંમત રાખીને બેેઠા રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. દર્દી ડાયાબિટીક પેશન્ટ હોવાથી તાકિદે રેમેડેસીવર ઇન્જેકશન આપવા જરૂરી છે તેવી ડોકટરોની તાકિદ હોવા છતાં અમો કંઇ કરી શકતા નથી તેની પીડા હૃદયને કોરી ખાઇ રહી છે. હવે તંત્ર મદદરૂપ બને તો જ માનવ જિંદગી બચાવવાનો એક માત્ર ઉપાય છે.

(1:24 pm IST)