સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

પાળ ગામની નદીમાં ડૂબી જતા રાજકોટના ૧૫ વર્ષના ક્રિષ્ના પરસોંડાનું મોત

નાનામવા આવાસના કવાર્ટરમાં રહેતો સગીર સાત મિત્રો સાથે ન્હાવા ગયો'તોઃ ડૂબવા લાગતા મિત્રોએ બચાવવાનો પણ પ્રયત્ન કર્યો'તો

રાજકોટ, તા. ૧૨ :. લોધીકાના પાળ ગામ પાસે આવેલી નદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલા રાજકોટ નાનામવા આવાસ યોજના કવાર્ટરના ૧૫ વર્ષના સગીર ડૂબી જતા તેનુ મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગતો મુજબ દોઢસો ફુટ રોડ નાનામવા સર્કલ પાસે આવેલ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૭ કવાર્ટર નં. ૭૨૭માં રહેતો ક્રિષ્ના કિશોરભાઈ પરસોંડા (ઉ.વ. ૧૫) ગઈકાલે રવિવાર હોવાથી તેના છ થી સાત મિત્રો સાથે લોધીકાના પાળ ગામ પાસે આવેલી નદીમાં ન્હાવા માટે ગયો હતો. ક્રિષ્ના તથા મિત્રો નદીમાં ન્હાવા પડયા હતા ત્યારે ક્રિષ્ના ડૂબવા લાગતા તેને બચાવવા માટે તેના મિત્રોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને બચાવી શકયા ન હતા. બાદ તેના એક મિત્રએ નદીમાંથી બહાર નીકળી પોતાના મોબાઈલમાંથી ફોન કરી તેના ભાઈને જાણ કરતા તેનો મોટો ભાઈ તાકીદે સ્થળ પર પહોંચી ગયો હતો અને કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી સગીરની લાશને બહાર કાઢવામાં આવી હતી. બાદ પોલીસને જાણ કરતા લોધીકા પોલીસ મથકના એ.એસ.આઈ. પૂજાબેને કાર્યવાહી કરી હતી. મૃતક ક્રિષ્ના અભ્યાસ કરતો હતો. તે ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેના પિતા મજુરી કામ કરે છે. સગીરના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:25 pm IST)