સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

મોરબીના તમામ સ્મશાનો-કબ્રસ્તાનમાં મૃતદેહોની અંતિમવિધિ માટે વેઇટિંગ: જીંદગીની સાથે મોત પણ લાચાર,બેબાસ.

અગાઉની સરખામણીએ અંતિમવિધિ માટે વધુ આવતા મૃતદેહો પરિસ્થિતિની ભયવહક્તાનો બોલતો પુરાવો

મોરબી : મોરબીમાં કોરોનાએ જીવિત વ્યક્તિઓને લાઈનમાં લગાવ્યા બાદ હવે અંતિમ વિધિમાં પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં લાઈનો લાગી છે. આ અત્યંત ગંભીર બાબત સરકાર માટે શરમજનક છે. દેશ માટે શરમજનક છે. સ્થાનિક તંત્ર માટે શરમજનક છે. મોરબીના સ્મશાનો અને કબ્રસ્તાનોની મોરબી અપડેટ જમીની હકીકત તપાસતા પીડાદાયક સ્થિતિ સામે આવી છે.
 મોરબીના વિવિધ સ્મશાનગૃહો અને કબ્રસ્તાનની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહામારીનો ભયાવહ ચહેરો સામે આવ્યો છે. લીલાપર રોડ પર સ્થિત વિદ્યુત-ગેસ સ્મશાન ખાતે જાણવા મળ્યા મુજબ એકથી દસ તારીખ સુધીમાં આશરે 100 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અહીં એક ગેસ ભઠ્ઠી માત્ર કોવિડ સંક્રમિત દર્દીઓના થયેલા અવસાન માટે જ અલાયદી રાખવામાં આવી છે. બન્ને ભઠ્ઠીમાં થઈને રોજ સરેરાશ 15થી 17 મૃતદેહોને અંતિમ મંજિલ સુધી પહોંચાડવામાં આવે છે.
જ્યારે સુન્ની કબ્રસ્તાનમાં સેવારત ફારૂખ કલાડીયાએ જણાવ્યું હતું કે, એક મૈયતની દફનવિધિ પુરી ન થઈ હોય ત્યાં અન્ય મૈયત માટે ફોન આવી જાય છે. આ કબ્રસ્તાનમાં કોવિડથી અવસાન થયેલા મર્હુમ માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે. છેલ્લા 4 દિવસોમાં અહીં 45થી વધુ મૈયત આવી ગઈ છે. મુસ્લિમ સમુદાયમાં મૈયતને વધુ સમય સુધી રાખી મુકવાને લઈને અશુભ માનવામાં આવે છે. પણ હાલની પરિસ્થિતિને કારણે મૈયતને થોડો સમય રાખી મુકવાની નોબત આવી છે. કબર ખોદવા માટે પર્યાપ્ત સમય મળે ન મળે ત્યાં અન્ય મૈયત આવી ગઈ હોવાનું ફારૂખભાઈએ જણાવ્યું હતું.
સામાંકાંઠે વેજીટેબલ રોડ પર આવેલા સ્મશાન ખાતે ટ્રસ્ટી ડૉ. ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી પહેલા રોજની સરેરાશ એકાદી ડેડબોડી આવતી હતી. જોકે હવે કોરોનાની બીજી લ્હેર દરમ્યાન આ આંકડો 12થી 15 પહોંચ્યો છે. જે પૈકી 7થી 8 મૃતદેહો કોરોનાને કારણે અવસાન થયેલા હોય છે.
પંચમુખી હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ શબવાહીની સેવા પૂરી પાડે છે. જેમના સદસ્યએ જણાવ્યું હતું કે, ગત મહિને તેઓએ 23 મૃતદેહોને અંતિમ મંજિલ સુધી પહોંચાડ્યા હતા. જ્યારે આ ચાલુ માસ દરમ્યાન અત્યાર સુધીમાં 65 મૃતદેહો તેઓ સ્મશાનઘાટ ખાતે લાવી ચુક્યા છે. રોજના સરેરાશ 9થી 10 ફેરા તેઓ હાલ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, સરકારી ગાઈડલાઇન્સ હોવા છતાં અંતિમયાત્રામાં વધુ લોકો જોડાય છે. જે ખરેખર ભયાવહ સ્થિતિનું નિર્માણ કરે છે. ઉપરોક્ત સ્મશાનમાં હાલ અગ્નિદાહ દેવા માટે લાકડાનો જથ્થો જૂજ માત્રામાં બચ્યો હોય 5થી 7 ગાડી લાકડાની વ્યવસ્થા થઈ શકે તો થોડી રાહત રહે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું.
જ્યારે વિશીપરા ફાટક અંદર આવેલા મહાદેવ સ્મશાન ગૃહની હાલત પણ વિકટ છે. ઓછી કેપેસિટી ધરાવતા આ સ્મશાનઘાટમાં અગાઉ અઠવાડિયે 2થી 3 મૃતદેહો અંતિમવિધિ માટે આવતા હતા જે હાલ રોજના 4થી 5ની સરેરાશથી આવી રહ્યા છે. ઘણી વખત અહીં પણ વેઇટિંગ જેવી સ્થિતિ નિર્માણ થાય છે. જેના પરથી સમજી શકાય છે કે કોરોનાકાળમાં મૃત્યુઆંક ઊંચો ગયો છે. સરકાર સ્વીકારે કે ન સ્વીકારે પણ આ વાસ્તવિકતા છે જે યુદ્ધ સમાન સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ચોક્કસ સૂચવી જાય છે. ત્યારે લોકો કામ વગર ઘર બહાર ન નીકળે તેમાં જ સમજદારી હોવાનું અત્યારનો સમય બતાવી રહ્યો છે.

(7:35 pm IST)