નશાના રવાડે ચડેલા ગાંધીધામના ટીન એજ તરૂણે યુ-ટયૂબ જોઇ ૭ બાઇક ચોરી
સતત બાઇક ચોરીના બનતા બનાવોનો ભેદ ઉકેલાયો : ચોરાઉ બાઇક સાથે ત્રણની અટક
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : વર્તમાન સમયમાં ઈઝી મની કમાવવા માટે ગુનાખોરીના રસ્તે ચડી જનારાઓ એ ધ્યાન રાખવાની જરૂરત છે કે, આ રસ્તો અંતે સળીયા પાછળ લઈ જાય છે. ગાંધીધામ આદિપુરમાં છેલ્લા અઠવાડીયાથી સતત બનતા બાઈક ચોરીના કેસનો ભેદ આદિપુર પોલીસે ઉકેલી લીધો છે.
ચોરીના આ બનાવ પાછળનું કારણ ચોંકાવનારું છે. સરકારી કર્મચારીના ૧૭ વર્ષીય ટીન એજ તરૂણ આ બાઈક ચોરી પાછળનો મુખ્ય આરોપી છે. આરોપી સગીર હોઈ એની ઓળખ છતી કરાઈ નથી. નશાના રવાડે ચડેલા તરુણે યુ ટ્યુબ ઉપર બાઈક ના લોક ખોલવાનું શીખી બે બુલેટ સહિત કુલ ૭ બાઈકની ચોરી કરી હતી. ચોરી કરેલી બાઈક પોતાના અંતરજાળમાં રહેતાં મિત્ર રાકેશ ઉર્ફે મેહુલ વિજય ભીલ દ્વારા ઓટો ગેરેજ ધરાવતાં ઓમ પ્રકાશ ઉર્ફે પકિયા ભેરારામ મેઘવાર ને વેંચી હતી. રૂપિયા માટે ૫ થી ૭ હજારમાં વેચનાર આ ચોરાઉ બાઈકો પકયો થોડા વધુ રૂપિયા કમાવી વેંચી નાખતો હતો. જોકે, બે બુલેટ બાઈકચોર સગીરે પોતાને ઘેર રાખી હતી.
આદિપુર પીએસઆઈ એચ. એસ. તિવારી અને સ્ટાફે ત્રણેય આરોપીઓની અટક કરી ચોરાઉ બાઈકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.