સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોનું માનસિક સ્‍વાસ્‍થ્‍ય સુદ્રઢ બનાવવા પોલીસ દ્વારા જીવન આસ્‍થા હેલ્‍પલાઇનનો પ્રારંભ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા.૧૨: પોલીસનું મુખ્‍ય કામ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવી રાખવાનું માનવામાં આવે છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થાના મજબૂતીથી પાલન સાથે સામાજિક ઉત્તરદાયિત્‍વ અને ફરજ અદા કરતા પગલાંઓ જિલ્લાની જનતામાં આવકારદાયક બની રહ્યા છે.

વર્તમાન સમયમાં વિવિધ સંજોગો અને પરિસ્‍થિતિના કારણે લોકો માનસિક રીતે અસ્‍વસ્‍થ બની રહ્યા છે. આથી અમુક કિસ્‍સાઓમાં લોકો આપઘાતનો માર્ગ અપનાવે છે. આ પરિસ્‍થિતિથી બચવા અને સ્‍વસ્‍થ સમાજની રચનાના ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા જીવન આસ્‍થા હેલ્‍પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

આ અંતર્ગત ગુજરાત પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના નેજા હેઠળ કાર્યરત જીવન આસ્‍થા હેલ્‍પલાઇનમાં તેમની ટીમ દ્વારા જિલ્લામાં ખાસ વિભાગનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ અહીંના ડીવાયએસપી (એચ.કયુ.) નીલમબેન ગોસ્‍વામીના વડપણ હેઠળ જાહેર જનતા માટે શરૂ કરવામાં આવેલી જીવન આસ્‍થા હેલ્‍પલાઇનમાં લોકોને માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને આત્‍મહત્‍યા જેવા વિચારોથી બચવા સામે સમજણપૂર્વકની માહિતી પ્રદાન કરવામાં આવશે. આ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ જાહેર કરવામાં આવ્‍યા છે. જિલ્લામાં આત્‍મહત્‍યાના વિચારો આવવા, આર્થિક ભીંસ, સંબંધોમાં સંઘર્ષ, વિકલાંગતા, માનસિક બીમારી, વ્‍યસનને લગતી સમસ્‍યા, અભ્‍યાસને લગતી સમસ્‍યા, ઘરેલું સમસ્‍યા વિગેરેનું સમાધાન જીવન આસ્‍થા હેલ્‍પ લાઈન દ્વારા કરવામાં આવશે તેમ આ પ્રોજેક્‍ટના મુખ્‍ય અધિકારી નીલમબેન ગોસ્‍વામી દ્વારા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવવા જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકીઓને માનસિક સ્‍વરક્ષણની તાલીમ આપતો પ્રોજેક્‍ટ સક્ષમ પણ તાજેતરમાં કાર્યરત કરવામાં આવ્‍યો છે. જેમાં ફિઝિકલ એન્‍ડ સાયકોલોજીકલ ડિફેન્‍સના વિચાર સાથે મહિલાઓ માટે આ પ્રોજેક્‍ટ ચાલી રહ્યો છે. ત્‍યારે માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને આત્‍મહત્‍યા રોકવાના હેતુને સાર્થક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો જીવન આસ્‍થાનો નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ પર સંપર્ક કરે તેમ વધુમાં જણાવ્‍યું છે.

(2:08 pm IST)