સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઘોરડા ખાતે સરહદી વિસ્તારના ત્રણ જિલ્લાના 1500 સરપંચો -આગેવાનો સાથે કરશે સંવાદ

કચ્છના કલાકારો દ્વારા કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે

ભુજ :સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત કાલે તા. 12મીના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમીતભાઈ શાહ સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો, આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. કેન્દ્રીય ગુહમંત્રી અમીતભાઈ શાહ આજે રાત્રે કચ્છ પહોંચી જશે. ત્યાં જ રાત્રિ રોકાણ કરીને આવતીકાલે સવારે 10 વાગ્યે કાર્યક્રમમાં ભાગ લેશે.

ધોરડા ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પ્રદર્શનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ યોજાનાર મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે. ઉપરાંત સરપંચો પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદબોધન કરશે.

કાર્યક્રમ દરમ્યાન હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે. અંતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના સરપંચો, આગેવાનોને પ્રેરક માર્ગદર્શન આપનાર છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રિય મંત્રી કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકારની અને 40 ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજયો અને 2 કેન્દ્ર શાસિતમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે.

જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહયા છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં 1638 પ્રોજેકટ હેઠળ રૂ.19,375.48 લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં 1002, બનાસકાંઠા જિલ્લામાં 355 અને પાટણ જિલ્લામાં 281 પ્રોજેકટ પૂર્ણ કરાયા છે

ધોરડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત યોજાનારા સરપંચ સંમેલનમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કચ્છના કલાકારો દ્વારા કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કચ્છની વિકાસ ગાથાને સાંસ્કૃતિક શૈલિમાં વણી લઈ રજુ કરવામાં આવનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માત્ર કચ્છ જ નહી પણ ગુજરાતનાં વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક વિરાસતને પણ વણી લેવામાં આવી છે. જેમાં કચ્છનાં જાણીતા લોક ગાયક પુનશી ગઢવી તથા સ્થાનિક વિવિધ કલાકારોનાં સ્વરમાં કચ્છની ધરોહર અને વિકાસ ગાથાને કચ્છની સંસ્કૃતિ રૂપે રજુ કરવામાં આવી રહી છે.

આ ગાથામાં કચ્છી ગરબો, મણિયારો, સુરેન્દ્રનગર અને ભાવનગરનો મિશ્ર રાસ તથા કચ્છની સોઢા જાતી કે જે પાકીસ્તાનથી આવીને અહીં વસી છે. તેમની શૌર્યતા અને વિરતાને વણી લેતો તલવાર રાસ સાંસ્કૃતિક શૈલીમાં વણી લઇ રજુ કરવામાં આવશે.

કચ્છ જીલ્લો તેના પરંપરાગત અને સાંસ્કૃતિક મૂલ્યો,કલા, હસ્તકળા અને રચનાત્મકતામાટે જાણીતો છે. કચ્છી લોક નૃત્ય ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. જેને ધ્યાને લઈ અહીના કલાકારો દ્વારા આ ઉજવણી લોક નૃત્ય સ્વરૂપે રજુ કરવામાં આવશે.

(8:37 pm IST)