સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

ભારતનો એક-એક સૈનિક દુશ્મનોના ઘરમાં ઘુસીને જવાબ દેવા સક્ષમ

અમિતભાઈ શાહ-વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કચ્છમાં: સરહદી ક્ષેત્ર વિકાસોત્સવનો પ્રારંભઃ શસ્ત્રપ્રદર્શન-સરપંચો સાથે સંવાદઃ જવાનોના હાલચાલ જાણીને દિપોત્સવીની શુભેચ્છા પાઠવીઃ માતા મઢ-શ્રી આશાપુરા માતાજીના દર્શને

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ર :. આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઇ શાહ, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડુત કલ્યાણ, પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં આજે કચ્છ ખાતે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ-ર૦ર૦ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યુ હતુ કે, કેન્દ્રની ભાજપ સરકારે નિવેદનથી નહિ પણ દુશ્મનોના ઘરમાં ઘુસીને જવાબ આપવાની કાર્યવાહી કરી છે. ભારત દેશનો એક-એક સૈનિક દુશ્મનોના ઘરમાં ઘુસીને જવાબ દેવા સક્ષમ છે.

શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યુ હતુ કે દેશનો વિકાસ ત્યારે જ થાય જ્યારે દેશની આંતરિક સુરક્ષા વધુ મજબુત હોય. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને વધુ મહત્વ આપવામાં આવ્યુ છે. જેમા ખાસ કરીને સરહદી વિસ્તારોના ગામડાના લોકોને પુરતી સુવિધા મળે તે માટે સરકાર કટીબદ્ધ છે.

શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યુ કે, ભાજપ સરકાર દ્વારા કચ્છમાં છેવાડાના લોકોને નર્મદાના નીર મળે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે અને તેનો ફાયદો પણ ગ્રામ્યજનો મેળવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યુ હતુ કે,બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત લાભ મળશે.  આ યોજનામાં ૬૦ ટકા કેન્દ્ર સરકારની અને૪૦ ટકા રાજય સરકારની હિસ્સેદારી છે આ યોજના હેઠળ દેશના ૧૬ રાજય અને ર કેન્દ્રશાસિતમાં ૧૧૧ જેટલા સરહદી જિલ્લાઓમાં ૩૯૬ બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાનાં પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી , ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં ૧૬૩૮ પ્રોજેકટ હેઠળ રૂ.૧૯,૩૭પ,૪૮ લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં ૧૦૦ર, બનાસકાંઠા જિલ્લામાં ૩પપ અને પાટણ જિલ્લામાં ર૮૧ પ્રોજેકટ પૂર્ણ કરાયા છે.

આજે કચ્છના ઘોરડો ખાતે આયોજીત આ કાર્યક્રમમાં સરહદી વિસ્તારોમાં વસતા લોકોના સુખાકારી અને માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તેવા ઉદેશ સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જીલ્લાના જન પ્રતિનિધિઓનું સંમેલન યોજાયું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે કચ્છની રણ સરહદે આવેલા ગામ ઘોરડોમાં છે તેઓએ અહી સીમા વિસ્તાર વિકાસ કાર્યક્રમ પુર્વે જવાનોના શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મુકયું હતું. આજે વાઘબારસ છે અને દીપોત્સવી પર્વ શરૂ થઇ રહ્યા છે. ત્યારે જવાનોના હાલચાલ જાણી દોપોત્સવી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

પોતાના બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસ દરમ્યાન ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગઇકાલે રાત્રે ખાસ વિમાનમાં ભુજ આવી પહોંચ્યા હતા આજે બપોરે કચ્છના ઘોરડોના સફેદરણ પાસે ઉભા કરાયેલ શામિયાણામાં તેઓ ગુજરાતના ત્રણ સીમાવર્તી જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને કચ્છના સીમાવર્તી તાલુકાઓના ૧પ૦૦ જેટલા સરપંચો સાથે વાર્તાલાપ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.ઘોરડોમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે આ કાર્યક્રમ યોજાય તેવી તકેદારી સાથે તંત્રએ દરેક તૈયારી પુરી કરી લીધી છે. અમિતભાઇ કાર્યક્રમ પૂર્ણ કરી ઘોરડોમાં ભોજન લીધા બાદ હેલિકોપ્ટરથી માતાના મઢ દર્શન કરી ભુજ પહોંચી ત્યાંથી વિમાન દ્વારા અમદાવાદ જવા રવાના થશે.

સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ ર૦ર૦ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારનાં વિકાસ કાર્યો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩પ, બનાસકાંઠાના ૧૭ મળી કુલ ૧પ૮ ગામના સરપંચો, આગેવાનો હાજર રહ્યા હતા જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

ઘોરડો ખાતે આયોજીત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું. ત્યારબાદ યોજાનાર મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બીએસએફના અધિકારીઓ દ્વાા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું. ઉપરાંત સરપંચો પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગ્રામણીક વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોમ મિનિસ્ટર્સ સ્પેશિયલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાયું હતું. અંતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના સરપંચો, આગેવાનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

(2:42 pm IST)