સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

પોરબંદર : લાઇન ફિશીંગ ઉપર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવા માછીમાર આગેવાનોની માંગણી

પોરબંદર, તા., ૧૨: ગુજરાત સમસ્ત  ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇના અધ્યક્ષસ્થાને એકી સાથે ૭૦ થી ૮૦ બોટોથી વધારે લાઇનમાં માચ્છીમારી (લાઇન ફીશીંગ) સદંતર બંધ કરવાના હેતુથી ગુજરાતના કચ્છથી વલસાડ સુધીના માચ્છીમારી સમાજો અને માચ્છીમારી સંગઠનો તથા સંસ્થાઓના મુખ્ય આગેવાનોની બેઠક મળી હતી. જેમાં લાઇન ફિશીંગ પધ્ધતીની ગંભીર સમસ્યા ઉપર ચર્ચા વિચારણા થઇ હતી અને આ પધ્ધતી સદંતર રીતે કેચ બંધ થાય તેના ઉપર ભાર મુકવામાં આવેલ હતો.

લાઇન ફીશીંગ એક એવા પ્રકારની રાક્ષસી ફિશીંગ છે જે સમુદ્રમાં તળીયામાં ઉગેલ વનસ્પતી જે નાની માછલીનો ખોરાક છે. સાથે નાની માછલી સંવર્ધન માટેની ઉતમ પ્રકારનો દરીયાઇ વિસ્તાર છે તેનું આ પ્રકારની રાક્ષસી ફીશીંગ પધ્ધતીથી વનસ્પતી, નાની માછલીને રહેવા માટેની ખાંચાખુંચી વાળી જગ્યાનું અને નાની માછલીનું નિકંદન કાઢી નાખવાની સાથે દરીયાઇ પર્યાવરણને પણ દુષીત કરે છે. તેથી માછલીનો સંપુર્ણ નાશ થાય છે.

તેથી નાના માચ્છીમારોને પોષણ દય માછલી મળતી નથી તેમજ તેમના રોજીરોટીનાં સાધન સમાન જાળ (ગીલનેટ) ને લાઇન ફિશીંગ કરનારા સ્વાર્થી માચ્છીમારો દ્વારા ટુકડા કરી નાખે છે. આમ નાના માચ્છીમારોને આર્થીક નુકશાનીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓને ધ્યાનમાં લઇને આ બેઠકમાં સરકારી અને સામાજીક ધોરણે શું કરી શકાય તેના ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર મત્સ્યોદ્યોગ મંત્રાલયમાં રજુઆત કરવી અને ગુજરાત ફિશરીઝ એકટ-ર૦૦૩માં લાઇન ફીશીંગ ઉપર પ્રતિબંધ મુકવા માટે તેવી વ્યાખ્યા કરી સમીક્ષા કરવામાં આવે અને લાઇન ફિશીંગ બંધ કરવા માટે ફીશરીઝ એકટમાં કડકમાં કડક નિયમો લગાવી ને કાયદાકીય સ્વરૂપ આપી સખત પ્રતિબંધ લગાવવામાં આવે. સાથે માચ્છીમારો સંગઠનો, સંસ્થાઓ અને માચ્છીમારી સમાજો દ્વારા આ ગંભીર સમસ્યાનું સમાધાન કરવા માટે જે માચ્છીમારી લાઇન ફીશીંગ જેવી રાક્ષસી પ્રકારની ફિશીંગ કરે છે તેને આ પ્રકારની ફિશીંગ કરવાથી  માચ્છીમારના ભવિષ્ય ઉપર કેવી માઠી અસર થઇ શકે છે. માચ્છીમારનું ભવિષ્ય કઇ રીતે  અંધકારમય બની શકે છે તે સમજાવવાની કોશીષ કરવામાં આવે અને છતાં પણ આવા લાઇન ફીશીંગ કરવાવાળા માચ્છીમાર ન સમજે તો તેનો સામાજીક અને સામુહીક બહિષ્કાર કરવામાં આવે.

આ બેઠકના અંતે ગુજરાતની દરીયાઇ પટ્ટી ઉપર વસતા સમગ્ર માચ્છીમારોના હિતમાં અને માચ્છીમારનાં આવનારા ભવિષ્યને સુરક્ષીત રાખવા માટેના નિતી નિયમો અને ઠરાવો કરવામાં આવેલ હતા.

આ બેઠકમાં ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ અને પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટશ્રી પ્રેમજીભાઇ ખુદાઇ, સમસ્ત ખારવા જ્ઞાતિનાં અધ્યક્ષ રણછોડભાઇ શિયાળ, ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિનાં પટેલ જીતુભાઇ મોહનભાઇ કુહાડા, અનીલ માચ્છીમાર મહામંડળ ગુજરાતનાં પ્રમુખ અને વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ ગોપાલભાઇ ફોફંડી, અખીલ માચ્છીમાર મહામંડળ ગુજરાતનાં ઉપપ્રમુખ અને પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં પ્રમુખ  નરશીભાઇ જંગી, જાફરાબાદ બોટ એશોસીએશન પ્રમુખશ્રી કનૈયાલાલ સોલંકી તેમજ ગુજરાતની દરીયાઇ પટ્ટીનાં કચ્છથી વલસાઇડ સુધીના સમાજ અને બોટ એસોસીએશન, પીલાણા એસોસીએશન, માચ્છીમારી સંગઠનો, મંડળીઓનાં પ્રમુખશ્રીઓ અને આગેવાનો હાજર રહયા હતા.

આ મીટીંગનું સંચાલન આભારવિધી માચ્છીમાર બોટ એસોસીએશનનાં પુર્વ પ્રમુખ વેલુભાઇ મોતીવરસ દ્વારા કરવામાં આવેલ હતી.

(11:41 am IST)