સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th February 2021

ઉના સીમમાં કેસુડાના ફુલ ખીલી ઉઠ્યા

ઉનાઃ કેસૂડો એક વનસ્પતિ છે. તેના ફૂલને પાણીમાં રાખવાથી પાણી કેસરી રંગનું થાય છે આ રંગ કુદરતી અને નિર્દોષ છે. ત્યારે ઉના આસપાસના ગામડાઓમાં કેસુડાના વૃક્ષો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે કેસૂડાના વૃક્ષનો પરિચય પણ જાણવા જેવો છે. કેસૂડાના ઝાડ સૂકા અને ડુંગરાળ વિસ્તારોમાં થાય છે. આ વૃક્ષો લગભગ ૧૫ મીટર જેટલા ઊંચા હોય છે. ઉનાળામાં આ વૃક્ષ કેસરી રંગના ફૂલોથી ભરચક થઈ જાય છે. તેજસ્વી કેસરી ફૂલોથી ડૂંગરા ઉપરના વૃક્ષો અગ્નિની જવાળા જેવા દેખાય છે. કેસૂડાના પાન ૧૫ સેન્ટીમીટર વ્યાસના ગોળાકાર આકારના હોય છે. ડાળી ઉપર અઢીથી ત્રણ સેન્ટીમીટર લાંબા કાળી દીંટીવાળા ફૂલો બેસે છે. કેસૂડાનું લાકડું નરમ હોય છે. પાણીમાં તે જલદી સડી જતું નથી. વહાણ અને હોડીઓ બનાવવામાં તે ઉપયોગી છે. કેસૂડાના થડમાંથી નીકળતો ગુંદર પણ ઉપયોગી છે. તેમાંથી દ્યણી દવા બને છે. કેસૂડાના પાન જાડા અને ચામડા જેવા હોવાથી પ્રાણીઓ ખાતા નથી. કેસૂડો વસંતઋતુનું પ્રતીક છે. ઉના સીમમાં ઠેર ઠેર કેસુડાના ફુલ ખીલ્યાં છે. તે તસ્વીર. (તસ્વીર : જાદવ ગઢિયા ઉના)

(10:16 am IST)