સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

દીવ નગરપાલિકાની ચુંટણીની જાહેરાત: 7મી જુલાઈએ મતદાન : 9મીએ જુલાઈએ પરિણામ

કાલે જાહેર નામું પ્રસિદ્ધ થશે : 13 થી 20 જૂન સુથી ફોર્મ ભરી શકાશે

સંઘપ્રદેશ દીવ નગરપાલિકામની ચુંટણીની તારીખો જાહેર કરાઈ છે,  આ અંગે તંત્ર દ્વારા આવતીકાલે સત્તાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરી તારીખ વાઈસ ચુંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ચુંટણીમાં ઝંપલાવવા માંગતા ઉમેદવારો 13થી 20 જૂન સુધી ફોર્મ ભરી શકશે. ત્યારબાદ આગામી 7 જુલાઇના રોજ દીવ નગરપાલિકાની ચુંટણી યોજાશે. ચુંટણીની જાહેરાતની સાથે જ દીવમાં રાજકીય માહોલ ગરમાયો છે.

દીવ નગરપાલિકાની ચુંટણીની કરાયેલી જાહેરાત મુજબ આગામી તા. 13 જૂનથી ફોર્મ ભરવાની શરૂઆત થશે જે પ્રક્રિયા આગામી તા. 20 સુધી ચાલશે. ત્યારબાદ 21 જૂનના રોજ ભરાયેલ ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાશે. વધુમાં તા. 23 જૂને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. ત્યારબાદ ખરાખરીના ખેલ સમાન તા. 7 જુલાઇના રોજ  દીવ નગરપાલિકા ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં દીવનો ગઢ જીતવા ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો વચ્ચે બરાબારના પારખા થશે અને 9 જુલાઈના રોજ દીવ નગરપાલિકાની ચૂંટણી માટે મત ગણતરી કરવામાં આવશે દીવ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઇ છે.

અગાઉ દીવ પાલિકાની ચૂંટણી પહેલા ખરે ટાણે જ ભાજપે ખેલ પડી દીધો  હતો અને ગત તા. 7 મે ના રોજ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના સાત સદસ્યો દીવ અને દમણના પ્રભારી વિજ્યાબહેન રાહતકરની હાજરીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસના નારાજ જુથના 7 સભ્યો ભાજપમાં જોડાતા હવે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કોંગ્રેસનું શાસન સમાપ્ત થયું છે. દીવ નગર પાલિકામા કુલ 13 બેઠકો છે જેમાં 10 કોંગ્રેસ પાસે અને 3 ભાજપના ફાળે હતી. છેલ્લા 10 વર્ષથી આ પાલિકા પર કોંગ્રેસનું શાશન હતું જો કે 7 સદસ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે 3 સદસ્યો જ બાકી રહ્યા હતા

(9:11 pm IST)