સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

કચ્છી કોયલ તરીકે ખ્યાતનામ ગીતા રબારીના લોકડાયરામાં અમેરિકા બાદ લંડનમાં વરસ્યો ડોલર અને પાઉન્ડનો વરસાદ

લંડનના હેરો લેસી સેન્ટરમાં ગુજરાતી લોક ડાયરાનું આયોજન:ગીતા રબારીના ગીતો પર લોકો ઝુમ્યા:પાઉન્ડ-ડોલરનો વરસાદ કર્યો

ગુજરાતના ઘણા એવા ખ્યાતનામ કલાકારો છે, જેની ચાહના દેશની સાથે વિદેશમાં પણ છે, જેમાં કીર્તીદાન ગઢવી, ગીતા રબારી સહિત અનેક કલાકારો એવા છે.જેઓ કાર્યક્રમ કરે છે, ત્યારે ચાહકો પૈસાનો વરસાદ કરે છે.વિદેશ પ્રવાસમાં અનેક કલાકારો પર ડોલર-પાઉન્ડ અને ત્યાંની કરન્સી ઉડાડી લોકો તેના મનપસંદ કલાકારને સન્માન આપે છે. 2019 બાદ કચ્છી કોયલ તરીકે ખ્યાતનામ ગીતા રબારીનો આ બીજો પ્રવાસ છે. જેમાં ચાહકોએ તેમની ગાયકી પર ડોલર-પાઉન્ડનો વરસાદ કર્યો હોય.

તાજેતરમાં ગીતા રબારી સહિત અનેક કલાકારો લંડન પ્રવાસે છે, ત્યારે કચ્છ લંડનના હેરો લેસી સેન્ટરમાં ગુજરાતી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કચ્છી કોયલ ગીતા રબારીના ગીતો પર લોકો ઝુમ્યા હતા અને લોકડાયરામાં પાઉન્ડ-ડોલરનો વરસાદ ગીતા રબારી પર કર્યો હતો, આ પહેલા પણ વિદેશ પ્રવાસ દરમિયાન ગીતા રબારી પર ડોલરનો વરસાદ થયો હતો. 2019 બાદ લોકડાઉન આવી જતા કલાકારો વિદેશ પ્રવાસે જઇ શકતા ન હતા. જો કે, એપ્રિલમાં અમેરીકા પ્રવાસે ગયેલા ગીતા રબારીએ 15 જેટલા કાર્યક્રમો USમાં આપ્યા હતા અને હાલ લંડનમાં પણ પોતાની અદાકારીથી લોકોને ડોલાવી રહ્યા છે.

ગુજરાતના લોકસંગીતનું ઘરેણું અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 2021માં અમેરિકાનો અઢી મહિનાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં બે મહિનામાં 33 શો કર્યા હતા. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ પણ કરી. કીર્તિદાને જણાવ્યુ હતું કે 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદ કરવામાં આવશે.

ગરીબ બાળકીઓના અભ્યાસ અને ઉછેર માટે કીર્તિ દાને 'લાડકી'ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. તેમના આ ટ્રસ્ટને કરોડો રૂપિયાનું અનુદાન મળ્યું છે. લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ માટે આ ટ્રસ્ટ થકી સહાય કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન કિર્તીદાન ગઢવીને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.

(10:06 pm IST)