સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th August 2020

રાપરમાં ઘરેલુ મામલે નાના ભાઈનું મોટા ભાઈ અને ભત્રીજા ઉપર ફાયરિંગ- બન્ને ઈજાગ્રસ્ત

રિસામણે બેઠેલી ભત્રીજાની પત્નીના મુદ્દે દેશી બંદૂકમાંથી ફાયરિંગ, હુમલાખોર ભાઈ, ભાઈની પત્ની, બે પુત્રો સહિત ૪ ની ધરપકડ

ભુજ : રાપરના કીડીયાનગર ગામ પાસે આવેલ ચકાસરી વાંઢ ગામે બનેલ ફાયરિંગના બનાવે ચકચાર સર્જી છે. દેશી બંદૂકમાંથી કરાયેલ ફાયરિંગના આ બનાવમાં ઇજા પામેલા માલા રવા કોલીએ ફાયરિંગ અને હુમલો કરવા બદલ પોતાના નાના ભાઈ ને તેના પરિવાર સામે ફરિયાદ લખાવી છે

  . આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ફરિયાદમાં ફરિયાદી માલાભાઈના જણાવ્યા પ્રમાણે પોતાના દીકરાની દીનેશની પત્ની લક્ષ્મી રિસામણે બેઠી છે. પતિ પત્ની વચ્ચેના આ બનાવ સંદર્ભે તેમની (માલાભાઈ) અને તેમનો બીજો પુત્ર મનજી વાડીએ જઈ રહ્યા હતા ત્યારે તેમના નાના ભાઈ દેવા રવા કોલી, તેની પત્ની પાંચી, પુત્રો દિનેશ, મુકેશે તેમને રોક્યા હતા. તેમ જ દિનેશ અને લક્ષ્મી વચ્ચેના અણબનાવથી પરિવારની આબરૂ ખરાબ થઈ રહી છે. એવું જણાવી બોલાચાલી મારપીટ કરી હતી. દરમ્યાન દેવા પાસે દેશી બંદૂક હોઈ તેણે તેમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા માલાભાઈ અને દિનેશ જખ્મી થયા હતા. તેમાં પુત્ર દીનેશને વધુ લોહી નીકળ્યા હતા. તાત્કાલિક બન્ને પિતા પુત્રને તેમના અન્ય પરિવારજનો ગાગોદર અને ત્યાંથી ભુજની સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. બન્ને સારવર હેઠળ છે. આડેસર પોલીસે હુમલાખોર આરોપી ભાઈ દેવા, તેની પત્ની પાંચી, પુત્રો દિનેશ, મુકેશને ઝડપી તેમના કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી હોમ ક્વોરેન્ટાઈન કર્યા છે.

(5:45 pm IST)