સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

જલિયાણની જયોત ઓમાનમાં ઝળહળી... ગુંજયો જલાબાપાનો નાદ

અખિલ વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીની ઉપસ્થિતિમાં

મસ્કતમાં ગુજરાતી સમુદાયે કરી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

ભુજ તા. ૧૩ : અખાતી દેશ ઓમાનમાં વસતા ગુજરાતી અને કચ્છી ઉદ્યોગપતિઓ તેમજ વ્યવસાયીઓ દ્વારા ભારતીય પરંપરા મુજબ ધાર્મિક ઉત્સવો ઉજવાતા રહ્યા છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની ત્રાસદીએ સંબંધોની સાથે ધાર્મિક પરંપરાના સમીકરણોને પણ બદલી નાખ્યા છે જોકે ધીરે ધીરે થાળે પડી રહેલા સંજોગો ફરી લોકોને આસ્થા અને વ્યવહારિક કાર્યો તરફ પ્રેરણાબળ આપી રહ્યા છે.

મસ્કત ખાતે વસતા ગુજરાતી પરિવારોએ અખાતી દેશના કડક નિયમોના અમલ સાથે જલારામ જયંતીની રંગે ચંગે ઉજવણી કરી હતી મસ્કતના મહેમાન બનેલા અખિલ વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણી, લોહાણા મહાપરિષદનાં મહિલા અધ્યક્ષા રશ્મિબેન વિઠલાણીની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છી ઉદ્યોગપતિ ધનસુખભાઇ લીંબાણીના ગાલા વિસ્તારમાં આવેલા કોસ્મોસ નવરાત્રી કેમ્પસના મંદિરમાં સૌ ભાવિકોએ બાપાની આરતી ધૂન સાથે ઉંજવણી કરી હતી.

 આમ તો દર ગુરૂવારે જલારામ સત્સંગ મંડળ દ્વારા સત્સંગ અને પ્રસાદ યોજાતો પણ છેલ્લા બે વર્ષથી બંધ થયેલી આ પરંપરા ફરી ચાલુ થશે એ આશા સાથે જલારામ જયંતિના શુભ દિવસથી જલારામ બાપાએ આ શરૂઆત કરાવી હોવાની શ્રદ્ઘા વ્યકત કરાઈ હતી આ પ્રસંગે માંડવીના ઉદ્યોગપતિ ખીમજી રામદાસ કંપનીના અનિલભાઈ ખીમજી,અજયભાઇ ખીમજી, કિરણભાઈ આશર,રાજુભાઈ વેદ, દિનેશભાઇ પવાણી, શાંતિલાલભાઈ તન્ના, જીતુભાઇ તન્ના, નરેન્દ્રભાઈ ગણાત્રા, દિનેશભાઇ રૂપારેલિયા સહિતના અગ્રણીઓ સાથે પરિવારની મહિલાઓ અને બાળકોએ સંત શિરોમણી બાપા જલારામને થાળ ધરી મહાઆરતી સાથે સમૂહ પ્રસાદ લીધો હતો.

(1:24 pm IST)