સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

જગપ્રસિદ્ધ પુષ્કર ઊંટ મેળાનો પ્રારંભ

સોનેરી રેતી ઉપર રાજસ્થાનનો ભવ્ય સાંસ્કૃતિક વારસો નિહાળવા દેશ-વિદેશથી સહેલાણીઓ ઉમટ્યાઃ આ વર્ષે ૧૧મીથી શરૂ થયેલો મેળો પાંચના બદલે નવ દિવસ ચાલશેઃ ઊંટ-ઘોડાની દોડ, મટકી દોડ, નૃત્ય-હસ્તકલા પ્રદર્શન, પાઘડી સ્પર્ધા, પતંગોત્સવ સહિતના આકર્ષણો

પુષ્કર, તા. ૧૩ :. ૧૦૦ વર્ષ જૂના રાજસ્થાની સંસ્કૃતિકના ભવ્ય વારસાની ઝાંખી કરાવતા પુષ્કર ઊંટ મેળાનો તા. ૧૧મીથી ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે પાંચના બદલે નવ દિવસ યોજાઈ રહેલા આ મેળાને ૧૧મી તારીખે સવારે ૬.૩૦ કલાકથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દરગાહ શરીફ અજમેરથી બ્રહ્મા ટેમ્પલ-પુષ્કર સુધી હાર્મની મેરેથોન યોજાઈ હતી. પુષ્કર તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને આતશબાજી પણ ઉદઘાટન સમારોહમાં યોજવામાં આવી હતી. પુષ્કર ઊંટ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની  વણઝાર સાથે ઊંટ અને મટકી દોડના કાર્યક્રમો યોજાશે. દુનિયાભરમાં પ્રસિદ્ધ એવા આ મેળામાં ઊંટ-ઘોડા સહિતના ઢોર-ઢાંખરની લે-વેચ પણ થાય છે. પ્રથમ દિવસે હાર્મોની મેરેથોન, હોટ એર બલુન ફલાઈટસ અને ઈન્ડીયન ઓસનના પ્રખ્યાત બેન્ડે સુરાવલી રેલાવી હતી. તા. ૧૨મીએ બીજા દિવસે લંગડી ટાંગ વિદેશીઓ સાથે, ઊંટ શણગાર અને ડાન્સ અને રેતીના ટીલાઓ ઉપર સનસેટ સફારી યોજાઈ હતી. આજે તા. ૧૩મીના ઘોડા નૃત્ય હરીફાઈ, શિલ્પગ્રામ હેન્ડીક્રાફટ બજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આવતીકાલે ચોથા દિવસે ગુરૂદ્વારા મેળા ગ્રાઉન્ડથી ઊંટ મેળા ગ્રાઉન્ડ સુધી આધ્યાત્મિક વોક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, પાંચમા દિવસે લગાન ફિલ્મ ફેઈમ ક્રિકેટ મેચ, મૂંછ સ્પર્ધા, પાઘડી બાંધવાની હરીફાઈ અને પતંગોત્સવ તેમજ છઠ્ઠા દિવસે મટકા રેસ, મ્યુઝીકલ ચેર અને બેસ્ટ ઓફ રાજસ્થાન કાર્યક્રમ યોજાશે. સાતમા દિવસે એડવેન્ચર એકટીવીટીઝ અને અંતિમ દિવસે મેગા કલ્ચરલ ઈવેન્ટ, મટકા રેસ, કેમલ રેસ અને કલા જથ્થા સહિતના કાર્યક્રમો સાથે મેળાનું સમાપન થશે.

મેળામાં પેઈન્ટીંગ જ્વેલરીની દુકાનો, એડવેન્ચરસ ગેઈમ્સ, ફોટોગ્રાફી સ્પર્ધા, પુષ્કરની લોકલ વાનગીઓ જેવી કે દાલબાટી ચુરમા સહિતની વાનગીઓનો રસાસ્વાદ માણવાનો મોકો મેળવી સહેલાણીઓ આનંદ-વિભોર બની જાય છે.

રાજસ્થાનના અજમેર ખાતે આવેલા પુષ્કર તળાવ ખાતે એક સદી પૂર્વેથી યોજાતા આ મેળામાં દિલ્હી, મુંબઈ, કોલકત્તા, સાંગાનેર-જયપુર એરપોર્ટ પરથી સરળતાથી પહોંચી શકાય છે. આ ઉપરાંત ટ્રેઈન અને રોડ-રસ્તે પણ સહેલાણીઓ પહોંચે છે. અહીં આવેલા બ્રહ્મા મંદિર ધાર્મિક મહત્વ ધરાવે છે. મેળાના દિવસોમાં વહેલી સવારે ૫ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી અને બપોરે ૩ થી રાત્રે ૯ સુધી તેમજ શિયાળામાં સવારે ૬ થી ૧.૩૦ સુધી અને બપોરે ૩ થી ૮.૩૦ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહે છે. આજથી ૬ દિવસ સુધી મેળામાં પહોંચી મુસાફરો આનંદ લઈ શકે છે.

(3:45 pm IST)