સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

કોરોનાથી ગુજરાતના ગામડાઓ ખેદાનમેદાન છે ત્યારે સરકારની અણઆવડતથી લોકો જિંદગી ગુમાવી રહ્યા છે : પરેશ ધાનાણી

ભુજમાં કોંગ્રેસી નેતા ધાનાણીની સટાસટી : ભાજપે ધારાસભ્યો ખરીદ્યા પણ કોરોના માટેની સારવારના સાધનો ઉભા કર્યા નહી, પરિણામે હોસ્પિટલમાં દાખલ થવાથી માંડીને ઇન્જેકશન, ઓકિસજન, રસી અને છેલ્લે સ્મશાન સુધી લાઇનો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કોરોનાની બીજી લહેરે સમગ્ર રાજયની સાથે કચ્છને પણ ઝપેટમાં લીધું છે. તેમાંયે આ વખતે તો શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કચ્છી માડુઓ પણ કોરોના સામે હિંમત હારી ચૂકયા છે. ત્યારે કચ્છની પરિસ્થિતિ નિહાળવા વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગાંધીધામ, રાતા તળાવ અને ભુજની મુલાકાત લઈ કોરોના દરમ્યાન કથળતી જતી આરોગ્ય સેવાઓને મુદ્દે રાજયની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

ભુજ મઘ્યે પત્રકારો સાથે વાત કરતાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર બાદ બીજી લહેર અંગેની આગોતરી જાણ પછીયે સરકારે તૈયારી કરી નહીં. અત્યારે સરકારની અણઆવડતને કારણે કોરોનાએ ગુજરાતના ગામડાઓને ખેદાનમેદાન કરી નાખ્યાં છે. ભાજપે ધારાસભ્યો ખરીદવાને બદલે જો કોરોનાની સારવાર માટે સુવિધા વધારવામાં રૂપિયા ખર્ચી ધ્યાન આપ્યું હોત તો લોકોના જીવ ન જાત. સરકારની માનસિકતા લોકોને લાઈનમાં ઊભા રાખવાની છે. અત્યારે હોસ્પિટલમાં દાખલ થવા માટે, ઈન્જેકશન અને ઓકિસજન લેવા માટે, મૃત્યુ બાદ અગ્નિદાહ માટે સ્મશાનમાં તેમ જ કોરોના સામે રક્ષણ મેળવવા રસી લેવી હોય તો પણ લાઈન લગાવવી પડે છે. સરકારની અણઆવડતને કારણે આરોગ્ય સેવા ખાડે ગઈ છે. પરેશ ધાનાણીની મુલાકાત દરમ્યાન કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, આદમ ચાકી, નવલસિંહ જાડેજા, જુમા રાયમા, સંજય ગાંધી, રફીક મારા, ઘનશ્યામસિંહ ભાટી, સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતા.

(11:40 am IST)