સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

ભાવનગરના મામસા ગામે પુત્રીની હત્યાના ગુનામાં પકડાયેલ પિતાને આજીવન કૈદની સજા ફટકારતી કોર્ટ

(મેઘના વિપુલ દ્વારા) ભાવનગર તા. ૧૪: ત્રણેક વર્ષ પૂર્વે ઘોઘા તાલુકાના મામસા ગથામે સગા પિતાએ તેની સગીર વયની પુત્રીને નજીવી બાબતે લાકડી વડે મુંઢમાર મારતા પુત્રીનું મોત નિપજયું હતું. આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આરોપી પિતા સામે ઇપીકો કલમ ૩૦ર, ૩૪ર, ૧૭૭ મુજબનો ગુનો દાખલ થયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્સ જજ ઝેડ. વી. ત્રિવેદીની અદાલતમાં ઓનલાઇન ચાલી જતા અદાલતે આરોપીને ભાવનગર જિલ્લા જેલમાં ઓનલાઇન સુનાવણી કરી આજે ઓનલાઇન ચુકાદો જાહેર કરતા આરોપી સામેનો હત્યા કેસ સાબિત માની આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમા ઉ.વ. ૩૮ (રહે. મામસા, તા. ઘોઘા) એ મરણ જનાર શિવાનીબેન જગદિશભાઇ ચુડાસમા ઉ.વ.૧૭ જે સબંધમાં આરોપીની દિકરી થાય છે. તેમની દિકરી પાસેથી મોબાઇલ ફોન નિકળતા પિતાએ તેણીને લાકડીની સોટી પગના પાટા તથા લાફા વડે આડેધડ મુંઢમાર મારી તેણીને રહેણાંકના મકાનના રૂમમાં પાંચેક કલાક પુરી દઇ ગંભીર ઇજા પહોંચાડી ત્યારબાદ સારવારમાં ભાવનગર ખાતે લઇ જવાતા સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયું હતું અને સમગ્ર બનાવ બાબતે આરોપી પિતાએ મરણ જનાર દિકરી મોટર સાયકલ પરથી પડી જતા ઇજા થયેલ છે તેવી ખોટી હકીકત જાહેર કરી ગુનો કરેલ હતો.

આ બનાવ અંગે મરણ જનાર સગીરાની માતા ભાનુબેન જગદિશભાઇ ચુડાસમાએ જે તે સમયે ઘોઘા પોલીસ સ્ટેશનમાં તેના પતિ આરોપી જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ ૩૦ર, ૩૪ર અને ૧૪૭ મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ જજ ઝેડ. વી. ત્રિવેદીની અદાલતમાં ઓનલાઇન ચાલી જતા અદાલતે સરકારી ભરત કે. વોરાની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ અને અદાલતે આરોપીને ભાવનગર જિલ્લા જેલ ખાતે ઓનલાઇન સુનાવણી કરી વગેરે બાબતો ધ્યાને લઇ આરોપી જગદિશ પોપટભાઇ ચુડાસમા સામે ઇપીકો કલમ ૩૦ર નો ગુનો સાબિત માની આરોપીને તકસીરવાન ઠેરાવી આજીવન કેદની સજા, રોકડ રૂ. ૧૦ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા, ઇપીકો કલમ ૧૭૭ના ગુના મુજબ આરોપીને છ માસની કેદ અને રોકડા રૂ. એક હજારનો દંડ, ઇપીકો કલમ ૩૪રના ગુના સબબ છ માસની કેદની કેદની સજા રૂ. એક હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ પંદર દિવસાની કેદની સજા અદાલતે ફટકારી હતી.

(11:31 am IST)